રિપોર્ટ@ગાંધીનગર: વીજ કરંટથી મોતને ભેટેલ વૃદ્ધના પરિવારને રૂ. 20.40 લાખ વળતર ચૂકવવા UGVCLને હૂકમ કર્યો

વળતર ચૂકવવા UGVCL હૂકમ કર્યો
 
રિપોર્ટ@ગાંધીનગર: વીજ કરંટથી મોતને ભેટેલ વૃદ્ધના પરિવારને રૂ. 20.40 લાખ વળતર ચૂકવવા UGVCLને હૂકમ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. કલોલમાં ગત વર્ષે ચાલુ વરસાદ દરમ્યાન ઈલેકટ્રીક વાયર પડી જવાને લીધે શોર્ટ સર્કીટથી 68 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને પણ કરંટ લાગ્યો હતો. આ પ્રકરણમાં ઘરના મોભીનું અવસાન UGVCL ની બેદરકારીનાં લીધે થયું હોવાનું કારણ દર્શાવી મૃતકના વૃધ્ધ પત્ની અને સંતાનોએ 50 લાખનું વળતર મેળવવા ફરીયાદ કરી હતી. જેની સુનાવણીનાં અંતે કન્ઝ્યુમર કોર્ટે મૃતકના પરિવારને 20 લાખ 40 હજાર નું વળતર 8 ટકાના વ્યાજે ચૂકવી આપવા માટે કલોલની UGVCL નાં મુખ્ય અધિકારીને આદેશ આપવામાં આવ્યો છે.

કલોલ સર્વોદય હોસ્પિટલ સામે હરે કૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા 68 વર્ષીય પંકજકુમાર શાહનું વીજ કરંટ લાગવાથી 8 મી સપ્ટેંબર 2023 માં અવસાન થયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને પણ કરંટ લાગ્યો હતો. આ કેસની વિગતો મુજબ ગત તા. 8/9/2023 નાં રોજ સાંજે પંકજકુમાર ચાલવા માટે ઘરેથી મુખ્ય રસ્તા ઉપર ગાર્ડન બાજુ જતા હતા.

જ્યાંથી પરત આવતી વેળાએ હળવો વરસાદ પડ્યો હતો. તેથી વરસાદી પાણીના ભરાવવાના લીધે તેમના ઘરેથી અંદાજીત 25-30 મીટર દુર UGVCL ના મુખ્ય થાંભલા પરનો મુળ વાયર તુટીને પાણીમાં પડ્યો હતો. અને કરંટ લાગવાથી પંકજકુમારનું અવસાન થયું હતું. જ્યારે અન્ય બે વ્યકિતને વિજળીના ઝાટકા લાગ્યા હતા.

બાદમાં 108 એમ્બ્યુલન્સ બોલાવતા પંકજકુમારને મૃત જાહેર કરી સિવિલ હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ અર્થે લઈ જવાયા હતા. આ અંગે મૃતકના વિધવા પત્ની રેખાબેન પંકજકુમાર શાહ અને તેમના સંતાનોએ ગાંધીનગર કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ આપેલી કે, એ વખતે ઉત્તર ગુજરાત વીજ કંપનીનાં જવાબદાર અધિકારીએ કહેલું કે મુળ થાંભલાના જોડાયેલા વાયર તેમના ઉપર પડે તો G.E.B બોર્ડના અધિકારીના કહેવા મુજબ તેઓની સિસ્ટમ ઓટોમેટીક બંધ થઈ જાય છે. જો કે અકસ્માત થયેલ ત્યારે સિસ્ટમ બંધ થયેલ નહી.

વીજ કરંટથી ગુજરનાર પંકજકુમાર એકાઉન્ટ નિષ્ણાંત હતા. જેઓ ઘણીબધી પ્રતિષ્ઠિત ફર્મનું ઈન્કમટેક્ષ અને G.S.T.નું એકાઉન્ટ લખતા હતા. અને તેમની વાર્ષિક આવક 10 લાખની હતી. વીજ કંપનીની બેદરકારીને કારણે અકસ્માત બન્યો ત્યાં સુધી કોઈ પગલા લેવામાં આવેલ નહી. વધુમાં ત્યાં રહેતા કોઈ પાડોસી ઘ્વારા મૃતકના પુત્રને જણાવેલ કે વીજ કરંટના સ્પાર્ક આ લાઈનમાં બે દિવસથી જોવા મળેલા. પરંતુ કોઈ પગલા UGVCL ધ્વારા લેવાયા ન હતા. અને ઘટના બાદ પણ 20 થી 25 મિનિટ સુધી વીજ પુરવઠો ચાલુ રહેલો. વીજ કંપનીના માણસો આવ્યા બાદ તુટેલા વાયરનો વીજ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ ગુજરનારને વાયરથી અલગ કરી દુર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સહાય તરીકે વીજ કંપની દ્વારા 50 હજાર વારસદારને ચૂકવી આપવામાં આવ્યા હતા. જેનાં પગલે વીજ કંપની પાસે 50 લાખના વળતરની માંગ કરતી ફરિયાદ કરાઈ હતી. જે કેસ કન્ઝ્યુમર કોર્ટ સમક્ષ ચાલી જતાં અધ્યક્ષ ડી ટી સોનીએ UGVCL કંપનીને રૂ. 20.40 લાખ વળતર 8 ટકા વ્યાજે ચૂકવી આપવાનો હૂકમ કર્યો છે.