રિપોર્ટ@ગુજરાત: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવનગરની મુલાકાતે, ભાજપ કાર્યાલય ભાવ કમલમનું ઉદ્ઘાટન કરશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ રાષ્ટ્રીય સ્તરની સુરક્ષા ટુકડી ભાવનગરમાં હાજર છે. જિલ્લા પોલીસ દ્વારા પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. શહેરના નારી ચોકડી નજીક આવેલ નાના ખોડીયાર મંદિર નજીક જિલ્લા ભાજપનું નવનિર્મિત ભાવ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે. ત્યારબાદ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે.
આ કાર્યક્રમમાં આવનાર લોકો માટે નારી ચોકડી નજીક સભા સ્થળથી દૂર બે સ્થળોએ અલાયદી પાર્કીંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. સૌ પ્રથમ જિલ્લા ભાજપ કાર્યાલય ‘ભાવ કમલમ’નું ઉદ્ઘાટન બાદમાં સભા સ્થળે ખુલ્લી જીપમાં સવાર થઈ કેન્દ્રીય ગૃહમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ અભિવાદન ઝીલી સ્ટેજ પર પહોંચશે.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યમંત્રી પરષોત્તમ સોલંકી, રાજ્ય કેબીનેટ મંત્રી જીતુ વાઘાણી તથા ભાવનગર અને બોટાદ જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ, સંગઠન તથા બુથ લેવલના પ્રમુખ અને કાર્યકરો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમ સંદર્ભે ભાજપ સંગઠન અને કાર્યકરોમાં ઉમંગ ઉત્સાહ જાવા મળી રહ્યો છે.

