રિપોર્ટ@વડોદરા: અજાણ્યા માનસિક દિવ્યાંગ યુવાનનું લૂ લાગવાથી મોત

ગરમીથી લૂ લાગવાના કારણે મોતની પ્રથમ ઘટના બની હોવાનું સામે આવી છે.
 
રિપોર્ટ@વડોદરા: અજાણ્યા માનસિક દિવ્યાંગ યુવાનનું લૂ લાગવાથી મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ઉનાળાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં કાળજાળ ગરમી પડી રહી છે. વડોદરાના સાવલી નગરના શિહોરા ભાગોળમાં ગરમીથી લૂ લાગવાના કારણે મોતની પ્રથમ ઘટના બની હોવાનું સામે આવી છે. અજાણ્યા માનસિક દિવ્યાંગ યુવાનનું ગરમીના કારણે મોત નીપજ્યું હોવા અંગે સાવલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

દિવસે દિવસે ઉનાળો આકરો અને જીવલેણ સાબિત થઇ રહ્યો છે. હોળી બાદ લોકો બપોરના સમયે કામ વગર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે ઉનાળાની સિઝનમાં પ્રથમ લૂ લાગવાના કારણે મોતની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઇ છે. વડોદરા જિલ્લાના સાવલી નગરના શિહોરા ભાગોળ પાસેના કૂવાની બાજુમાંથી એક અજાણ્યા 30 વર્ષના યુવાનનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો.

શિહોરા ભાગોળમા અજાણ્યા માનસિક દિવ્યાંગ યુવાનના થયેલા મોત અંગેની જાણ સ્થાનિક લોકોએ સાવલી પોલીસને કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને તપાસમાં આ યુવાન માનસિક દિવ્યાંગ હોવાનું અને રોડની સાઇડમાં સુતો હોવાથી તેને વધારે પડતી ગરમી લાગતા, લૂ લાગવાના કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સાવલી પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. હાલ યુવકની ઓળખ થઇ શકી નથી. તેની ઓળખ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

નોંધનીય બાબત એ છે કે, ગરમીના કારણે મોતને ભેટેલા આ યુવાનને શિહોરા ભાગોળમાં અનેક લોકોએ રોડ ઉપર ગરમીમાં સૂતેલો જોયો હતો. પરંતુ, કોઇ પણ વ્યક્તિએ માનવતા દાખવીને હોસ્પિટલમાં લઇ જવાની દરકાર કરી ન હતી.