રિપોર્ટ@અમરેલી: કમોસમી વરસાદથી રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા, વાહનચાલકો પરેશાન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કમોસમી વરસાદથી ખેતીપાકની સાથે સાથે રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. રાજુલાથી સાવરકુંડલા જતા માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. જેથી વાહનોની ઊછળકૂદ જોવા મળી રહી છે. 27 કિમી સુધીના રોડ પર 200થી વધુ ખાડાઓ પડ્યા છે. જેથી વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
અમરેલી જિલ્લામાં તાજેતરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેનાથી ખેતી પાકમાં તો ભારે નુકસાન પહોંચ્યું જ છે સાથે સાથે રોડ રસ્તાની હાલત પણ ખરાબ થઈ છે. દિવાળી પહેલા રાજુલાથી સાવરકુંડલા સુધીના રોડ પર માર્ગ મકાન વિભાગ દ્વારા મોટા ખાડાઓ બુરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, છેલ્લા 5 દિવસથી રાજુલા પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર ફરી ધોવાણ થયું છે. જેથી ઠેર-ઠેર ખાડાઓ પડતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
હિંડોરણા ચોકડીથી બાયપાસ રાજુલા તેમજ ત્યાથી સાંવરકુંડલા સુધીના 27 કિમીથી વધુના રોડ પર આશરે 200થી પણ વધુ નાના-મોટા ખાડાઓ પડ્યા છે. જેના કારણે રસ્તાની સ્થિતિ દયનિય બની છે. વાહનચાલકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. આ માર્ગ અમરેલી જિલ્લા મથકનો મુખ્ય માર્ગ હોવાથી અહિંથી રોજ હજારો વાહનો પસાર થાય છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ સહિતના તમામ માટે આ માર્ગ મહત્વનો છે. જે માર્ગ બિસ્માર બનતા લોકોએ તાત્કાલિક માર્ગનું રિપેરિંગ કામ શરૂ કરવાની માંગ કરી છે.
રીક્ષા ચાલકે જણાવ્યું કે, રાજુલાથી આંબરડી સુધી શાકભાજી ભરીને અમે દરરોજ જઈએ છીએ પણ રસ્તા એટલા ખરાબ છે કે રીક્ષાને ખૂબ નુકસાન પહોંચી રહ્યું છે. રસ્તાની સમસ્યા સામે તંત્ર જુએ તો સારું. આ માર્ગ પર અનેક ખાડાઓ છે. કયો ખાડો તારવવો એ જ ખબર નથી પડતી.
વાહન ચાલક મનીષ ત્રિવેદીએ જણાવ્યું કે, હું દરરોજ ગારીયાધાર અપડાઉન કરું છું. રાજુલા બાયપાસવાળો આખો રસ્તો ખરાબ છે. રસ્તા પર હજારો ટ્રક ચાલે છે. ખરાબ રસ્તા મુદ્દે તંત્ર કંઈ ધ્યાન નથી આપતું. આવક જાવકમાં એક પણ રસ્તો સારો નથી. ત્રણ-ત્રણ કંપનીઓ આ વિસ્તારમાં હોવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. આ રોડ ઉપર ઠેર-ઠેર ખાડા છે.
અન્ય એક વાહન ચાલક નિલેશભાઈએ જણાવ્યું કે, હું બોલેરામાં દૂધ ભરીને રોજ અહિંથી જ પસાર થાવ છું. દરરોજ અમારે દૂધ ધોળાઈ છે. ખાડાના કારણે ગાડીને ઉભી પણ રાખવી પડે છે. હિંડોરણાથી રાજુલા બાયપાસ તેમજ સાવરકુંડલા સુધીનો રસ્તો ખરાબ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન થાય છે. ખાડામાં પાણી કેટલું ભર્યું હોય તે ખબર નથી હોતી. બે વખત મારી ગાડી પલટી ખાતા ખાતા બચી છે. ખાડા બુરો નહિતર અમે ધંધો બંધ કરી દઈએ.
આ અંગે રાજુલા માર્ગ મકાન વિભાગના અધિકારી અભિજીત સિંહ ગોહિલે જણાવ્યું કે, હાલ વરસાદે વિરામ લીધો છે. જો બે કે ત્રણ દિવસ વરસાદ નહીં આવે તો પેચવર્કની કામગીરી શરૂ થશે. રાજુલા-બાઢડા માર્ગના કામ માટે વર્ક ઓર્ડર આપવાનો ખાલી બાકી છે.
રાજુલા શહેરમાં ભારે વરસાદ પડવાના કારણે જાફરાબાદ રોડ, બસ સ્ટેન્ડ રોડ, ટાવર રોડ, છતડીયા રોડ, ભેરાઈ રોડ સહિતના રોડ પર ખાડાઓ પડ્યા છે. જ્યાં નગરપાલિકા દ્વારા મોટા ખાડાઓને તો બુરવામાં આવ્યાં છે, પણ હજુ અનેક નાના ખાડાઓ છે, તેને પણ બુરવાની કામગીરી કરવામાં આવે તેવી શહેરીજનોએ માગ કરી છે. રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે, જેથી વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

