રિપોર્ટ@વડોદરા: 30 વર્ષીય એન્જિનિયરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા શહેરમાંથી આત્મહત્યા ઘટના સામે આવી છે.વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા શરદનગરમાં રહેતા 30 વર્ષીય L&Tના એન્જિનિયર નીરવ ગોપાલરાવ વિચારેએ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નીરવ ગોપાલરાવ વિચારે L&T કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. આ યુવક નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ તેમણે પોતાના બેડરૂમમાં ગળાફાંસો ખાઈને જીવનનો અંત લાવી દીધો હતો.
બનાવની જાણ થતાં પરિવારજનો અને મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ હાથ ધરી હતી તેમજ કાયદેસરની કાર્યવાહી કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં લગ્ન સંબંધિત મૂંઝવણને કારણે આ ઘટના બની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતા કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી આવી નથી. આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

