રિપોર્ટ@વડોદરા: કફ સીરપ પીધા બાદ 5 વર્ષની બાળકીનું અચાનક મોત, જાણો સમગ્ર બનાવ

માસીએ કહ્યું-'બાળકી સાથે કંઈક અજુગતું બન્યું છે', પોલીસે સાચું કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું
 
રિપોર્ટ@વડોદરા: કફ સીરપ પીધા બાદ 5 વર્ષની બાળકીનું અચાનક મોત, જાણો સમગ્ર બનાવ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 
વડોદરા શહેરમાં 5 વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.બાળકીના માસીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, મેડિકલ સ્ટોરમાંથી લાવેલી શરદી-ખાંસીની સિરપ પીવડાવ્યા બાદ બાળકીની તબિયત એકાએક લથડી હતી, જે તેના મૃત્યુનું કારણ બની છે.

5 વર્ષીય બાળકી ધ્યાની ઠક્કર વડોદરા ખાતે તેના દાદા-દાદી સાથે રહેતી હતી. ધ્યાનીએ ખૂબ જ નાની ઉંમરે તેના માતા અને પિતા બંનેને ગુમાવી દીધા હતા. માતા-પિતાની ગેરહાજરીમાં દાદા-દાદી અને અન્ય સંબંધીઓ જ તેની સંભાળ રાખતા હતા. આ માસૂમ બાળકી પરિવારના સભ્યો માટે વહાલી હતી.

ધ્યાનીને સામાન્ય શરદી અને ખાંસીની તકલીફ થઈ હતી. આથી તેના પિતરાઈ કાકા પોતાના મેડિકલ સ્ટોર પરથી શરદી-ખાંસીની સિરપ લઈ આવ્યા હતા. બાળકીને આ સિરપ પીવડાવવામાં આવી હતી. પરંતું, થોડા જ સમયમાં તેની શારીરિક સ્થિતિ બગડવા લાગી હતી. તબિયત વધુ લથડતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ માસૂમ ધ્યાનીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવની જાણ થતાં જ બાળકીના માસી અને અન્ય સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

મૃતક બાળકીના માસીએ રડતા રડતા ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, “બાળકી સાથે કંઈક અજુગતું બન્યું છે. દવાની આડઅસર છે કે અન્ય કોઈ કારણ, તે તપાસનો વિષય છે. મેડિકલ સ્ટોરની દવાની ગુણવત્તા અને તેની અસર પર શંકા વ્યક્ત કરી છે અને ન્યાયની માંગણી કરી છે.

એ તો અમારી પોતાની દીકરી હતી, અમે એનું ક્યારેય કંઈ ખોટું કરીએ જ નહીં. અમે તો એની પૂરેપૂરી માવજત કરતા હતા, એને ભણાવતા-ગણાવતા હતા અને બધી રીતે એનું ધ્યાન રાખતા હતા. તેની માસી અમારી સાથે ઝઘડો કરીને પરાણે છોકરીઓને લઈ ગઈ હતી. પણ પછી અમને થયું કે ભલે તેની માસી છે તો તે રાખે, પરંતુ થોડા દિવસો બાદ તેણે ફરીથી છોકરીને અમારી પાસે મોકલી દીધી હતી. તેણે કહ્યું, છોકરીઓ રમતા-રમતા પડી ગઈ હતી અને મોટી છોકરીને ફ્રેક્ચર થયું છે, એટલે હવે તમે જ આને રાખો કહી અમને સોંપી દીધી હતી. અમે જબરદસ્તી એને લાવ્યા નહોતા.

તેઓએ ઉમેર્યું હતું કે, સાહેબ, એને શરદી-ઉધરસ હતા એટલે અમે એને સીરપ પીવડાવ્યું હતું. એ તો શરદી-ખાંસીની સામાન્ય દવા હતી. અમે કઈ એને મારવા માટે થોડી સીરપ પીવડાવીએ? હું એની સગી દાદી છું. આ એના દાદા છે. અમે શા માટે એનું કંઈ ખોટું ઈચ્છીએ?

મૃતક ધ્યાનીના કાકા શૈલેષ ઠક્કરે જણાવ્યું હતું કે, ધ્યાની આખો દિવસ સીટીમાં ફરી હતી, આનંદમાં હતી. મારી પત્નીની નણંદને ત્યાં દીકરીનો જન્મ થયો હતો, તો તેઓ ત્યાં પણ મળવા ગયા હતા. ત્યાંથી મળીને આવ્યા પછી તે મારા મિત્રની ઓફિસે પણ ગઈ હતી. રાત્રે જ્યારે હું મારું કામ પતાવીને ઘરે આવ્યો, ત્યારે બધા શાંતિથી સૂતા હતા. મેં જોયું કે બધા ઊંઘે છે એટલે મને લાગ્યું કે હવે કોઈ દવાની જરૂર નથી, તેને ઊંઘવા દો. તેથી મેં રાત્રે દવા આપવાનું મોકૂફ રાખ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સવારે આશરે પોણા સાત કે સાડા છ વાગ્યે મમ્મીએ મને જગાડ્યો. અમે તાત્કાલિક બાળકીને લઈને શ્રીજી હોસ્પિટલ ગયા. ત્યાં ડોક્ટરોએ શંકા વ્યક્ત કરી અને બીજી હોસ્પિટલમાં જવા કહ્યું હતું. પછી અમે અંકુર હોસ્પિટલ ગયા, પણ ત્યાં ડોક્ટર હાજર નહોતા. અંતે અમે કાશીબા હોસ્પિટલ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

સયાજી હોસ્પિટલના RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર આ પ્રકારની દવાઓ ન લેવી જોઈએ. દવાના ઓવર ડોઝના કારણે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આ પ્રકારની દવાઓ ડોક્ટરને પૂછીને જ લેવી જોઈએ.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા બી ડિવિઝનના એ.સી.પી. આર.ડી. કવા તાત્કાલિક ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા. તેમણે શોકતુર પરિવારની મુલાકાત લઈ સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દવાના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે.