રિપોર્ટ@વડોદરા: બાઇકનો મોરો ખોલતાં જ યુવકને જોઈ સાપે ફૂફાડો માર્યો, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. વડોદરામાં ડરામણી સાથે રમૂજી ઘટના સામે આવી હતી. જેમાં એક યુવકની બાઈકના આગળના ભાગે હેડલાઈટની ઉપર એક કોબ્રા સાપ ધૂસી ગયો હતો. કાળોતરા સાપને જોઈ બાઇકચાલક યુવાન ડરી ગયો હતો અને તુરંત જ તેણે રેસ્ક્યૂ કરનારને ફોન કરી બોલાવ્યા હતા. જે બાદ બાઈકનો મોરો ખોલી યુવકે સાપને જોઈને એ રાજા... કહેતાની સાથે જ સાપે ફેણ માંડી હતી. જે બાદ યુવક રેસ્ક્યૂ કરવા જતાં ફૂંફાડો મારીને કરડવાનો પ્રયાસ કર્યો હતો. પોણા કલાકની ભારે જહેમત બાદ સાપને બહાર કાઢવામાં યુવકોને સફળતા મળી હતી. આ રેસ્ક્યૂનો વીડિયો પણ યુવકે ફોનના કેમેરામાં કેદ કર્યો છે. ઉલ્લખનીય છે કે, ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ શહેરમાં સાપ અને મગરો નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. ક્યારેક તો આ સરીસૃપો રહેણાક વિસ્તારો સુધી પહોંચી જતા હોય છે.
વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં બાઈકમાં કોબ્રા સાપ ઘૂસી ગયાનો વન્યજીવ વોલિન્ટિયર યશ તડવી અને સ્નેહલ પટેલ કોલ મળ્યો હતો. જેથી તેઓ તાત્કાલિક સાપનું રેસ્ક્યૂ કરવા સ્થળે પહોંચ્યા હતા. બાઈકની આગળ હેડલાઈટના ભાગમાં કોબ્રા સાપ ઘૂસી ગયો હોવાથી બાઈકચાલક યુવક ગભરાઈ ગયો હતો. જે બાદ સાપનું રેસ્ક્યૂ કરવા બન્ને યુવકોએ બાઈકનો મોરો ખોલતા સાપ ફીંડલું વળીને બેઠો હતો. હાજરના યુવકે એ રાજા બોલતાની સાથે જ સાપે ફેણ માંડી હતી અને રેસ્ક્યૂ કરનાર સામે ફુંફાડો માર્યો હતો.
બાઈકના મોરાના ભાગે ઘૂસેલા કોબ્રાને પોણા કલાકની જહેમત બાદ સહી સલામત રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બાઈક અને સ્કૂટરમાં સાપ ભરાઈ જવાની ઘટનામાં પણ વધારો થવા લાગ્યો છે. લોકોએ વાહનોમાં બેસતા પહેલાં સાવધાનીના ભાગે વાહનની સંપૂર્ણ તપાસ કરી લેવી. આ ઉપરાંત બૂટ-ચંપલ પહેરતા પહેલાં પણ એક વાર તપાસ કર્યા બાદ જ બૂટ-ચંપલ પહેરવા ચોમાસામાં હિતાવહ રહેશે.