રિપોર્ટ@વડોદરા: યુવતી અને યુવકે મળીને રાવપુરા પોલીસ સાથે ઝપાઝપી કરી
છેડતી થઇ હોવાનો ફોન આવતા PCR વાન પહોંચી, પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી વર્દીના બટન તોડ્યા; યુવતીએ પોતાના કપડાં ફાડ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં એક યુવતી અને યુવકે મળીને રાવપુરા પોલીસ સાથે ઝપાઝપી કરીને ગેરવર્તણૂક કરી હતી. યુવતીએ તો જાતે જ પોતાના કપડાં ફાડી નાખ્યાં હતાં. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે અને આ મામલે રાવપુરા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. બંનેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ભાવેશ ભોજાભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાવપુરા પી.સી.આર 15મા ઇન્ચાર્જ તરીકે મારી ડ્યુટી હતી. અને અમારી સાથે મદદમાં અનઆર્મ્ડ લોકરક્ષક જયેન્દ્ર વિરમાજી અને ડ્રાઈવરમાં નિતેશ નાળિયા હતા. અમે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી અમને વર્ધી મળી હતી કે, દાંડિયા બજાર એચ.ડી.એફ.સી બેંક પાસે એક યુવક યુવતીની છેડતી કરે છે. જેથી અમે દાંડિયા બજાર એચ.ડી.એફ.સી બેંક પાસે પહોંચીને તપાસ કરતા એક યુવક તથા એક યુવતી અંદરો અંદર બોલાચાલી કરી મારામારી કરતાં હતાં.
આ સમયે જાહેરમાં લોકોનું ટોળું ભેગું કરીને બખેડો કરતા હતા. જેથી અમે તેમની પાસે જઇને તેઓને છોડાવવાનો પ્રયત્ન કરતા હાજર યુવક અમારી સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યો હતો. અને આ ઝપાઝપીમાં બખેડો કરનાર યુવકે અમારી વર્દીના શર્ટના બટન તોડી નાખ્યાં હતાં અને મને ધક્કો મારી જમીન પર પાડી દીધો હતો. અને તેની સાથેની યુવતીએ પહેરેલી ટી-શર્ટ પોતાની જાતે સાઇડમાંથી ફાડી અને બુમાબુમ કરવા લાગી હતી. જેથી અમે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં ટીમ આવી ગઈ હતી.
અમે બખેડો કરનાર યુવક અને મહિલા કર્મચારીએ હજાર યુવતીને જેમતેમ કરી પીસીઆરમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. જેમાં આરોપી યુવક તથા સાથેની આરોપી યુવતી છે. અને જાહેરમાં બખેડો કરવા બાબતનું કારણ પૂછતાં તેઓ બંને મિત્ર હોવાથી રાત્રિના ફરવા માટે નીકળ્યા હતા અને દાંડિયા બજાર પાસે પહોંચતા પૈસાની વાતમાં ઝઘડો થયો હતો.
એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, પોલીસ સાથે ગેરવર્તણૂક કરનાર યુવતી અને યુવકની ધરપકડ કરી છે. અને આ મામલે અમે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે, આ યુવતી અને યુવક બંને મિત્રો હતા અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી યુવતીએ છેડતી થઈ હોવાનો પોલીસને ફોન કર્યો હતો.