રિપોર્ટ@વડોદરા: આજે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી

આજે ભાજપ, કોંગ્રેસ સહિત ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાશે. 37.05 ટકા જેવા નબળા મતદાન બાદ આજે ભાજપ, કોંગ્રેસ સહિત ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. ઓછું મતદાન થયું હોવાથી કોંગ્રેસ પણ જીતવાની આશા રાખી રહ્યું છે. તો ભાજપ ફરી એકવાર બેઠક કરજે કરવા માટે તત્પર છે. બપોર સુધીમાં હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મતગણતરી કેન્દ્ર ખાતે મતોની ગણતરી માટે કુલ 14 ઈવીએમ મશીનો અને 1 પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. 260 મતદાન મથકોના મતોની ગણતરી 14+1(પોસ્ટલ બેલેટ)ટેબલો પર તબક્કાવાર કુલ 19 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. સવારે 8 વાગ્યે સર્વપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. ત્યારબાદ ઈ.વી.એમ.ના મતોની ગણતરી શરૂ કરવામાં આવશે.

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ મતગણતરી કામગીરી માટે 42 ગણતરી સ્ટાફ તથા દરેક ટેબલ દીઠ સુપરવિઝન માટે 42 માઇક્રો ઓબ્ઝર્વર્સની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત, ચૂંટણી સંચાલનને લગતી અન્ય કામગીરી માટે 200 જેટલા અન્ય ચૂંટણી સ્ટાફના કર્મચારીઓ સતત સેવામાં રહેશે.

ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરાશે. મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 200થી વધુ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ ફરજ બજાવશે.