રિપોર્ટ@વડોદરા: મૃત્યુ પામેલા વૃદ્ધાની મનરેગામાં 75 દી’ની હાજરી પૂરી રૂ. 17,000 કૌભાંડીઓ ઓડકારી ગયા
FIRના 37 દિવસે પણ પોલીસ-વહીવટી તંત્રએ કંઈ ન ઉકાળ્યું, તલાટી સહિત બેનાં નિવેદન જ લેવાયાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક કૌભાંડ સામે આવતા હોય છે. સમગ્ર ગુજરાતમાં લાખો શ્રમજીવીઓને ઘર-આંગણે રોજગારી મળી રહે તે માટે સરકારે મનરેગા યોજના અમલમાં મૂકી હતી અને તેમા પણ કૌભાંડો સામે આવી રહ્યાં છે. વડોદરાનાં સમસાબાદ ગામની મનરેગા યોજનામાં બે વર્ષ પહેલાં મૃત્યુ પામેલા મહિલાનું જોબકાર્ડ બનાવી 75 દિવસની માસ્ટર રોલમાં હાજરી પુરી રૂપિયા 17 હજારથી વધુનું મહેતાણુ પણ ચૂકવી દેવામાં આવ્યું હતું. જે બાદ મૃતકના પરિવારની જાણ બહાર જ ATM દ્વારા તમામ પૈસા પણ ઉપડી ગયાં હતાં. આ સમગ્ર મામલે મૃતકના પુત્રને પૈસા ઉપડ્યાનો મેસેજ જતાં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
મૃતક ગંગાબેનના દીકરા લાલજીભાઈ પાટણવાડીયાને માતાના ખાતામાંથી પૈસા ઉપડ્યાનો મેસેજ મળ્યા બાદ તેણે આ મામલે 15 ઓગસ્ટના રોજ અરજી કરી હતી. જેમાં વરણામા પોલીસે અજાણ્યાં શખશો સામે ફરિયાદ નોધી તપાસ શરૂ કરી હતી. આજે ફરિયાદ નોંધાયાના 35થી વધુ દિવસો થયા હોવા છતાં પોલીસ અને વહીવટી તંત્ર મનરેગા કૌભાંડની તપાસમાં કઈ ઉકાળી શકી નથી. અત્યાર સુધીમાં તલાટી સહિત બે સહેદોનાં માત્ર નિવેદન લેવામાં આવ્યાં છે. હવે સરપંચ સાહિત્ય અન્યના નિવેદનોના આધારે સંડોવાયેલા શખસો સામે પગલાં લેવાશે, તેવી વાત વરણામા પોલીસ મથકનાં પી આઈએ કરી છે. જ્યારે ખાતાકીય કાર્યવાહીમાં પણ બેદરકારી દાખવનારના તાત્કાલીક તાલુકા વિકાસ અધિકારી સહિત ત્રણ કર્મચારીની બદલી કરી સંતોષ માની લેવામાં આવ્યો છે.
આ અંગે વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખે જણાવ્યુ હતુ કે, ગત 15 ફેબ્રુઆરી, 2024ના ગંગાબેન પાટણવાડીયા દીકરા અને અરજદાર લાલજીભાઈ પાટણવાડીયા એક અરજી એમને મળી હતી. તેમાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે, અમારાં માતૃશ્રી ગત તારીખ 15/02/2022ના રોઝ મૃત્યુ પામેલ છે. જૂન 2022થી ડિસેમ્બર 2022 સુધીમાં અલગ-અલગ તબક્કે મનગેરાના માસ્ટર રોલમાં 75 દિવસની ખોટી હાજરી પૂરીને અંદાજીત 17,925 રૂપિયા તેઓના ખાતામાં જમાં કરવામાં આવ્યાં હતા. ત્યારબાદ વખતો વખત તેમાંથી ઉઠાવી પણ લેવામાં આવે છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ અરજીના આધારે તાલુકાના વિકાસ અધિકારી વડોદરાને તેની તપાસ આપવામાં આવી હતી. તેનાં અહેવાલ બાદ વડોદરા એસ. પી.ને માર્ગદર્શન રૂપે એક પત્ર લખીને વિગતવાર એમને અહેવાલ કરે તેવી એક વિનંતી કરવામાં આવી હતી. બાદમાં તેઓએ અહેવાલ સોંપ્યો અને તેમાં ફલિત થયુ હતું કે, આ પ્રકરણ બન્યું છે તે બરાબર છે. પરંતુ વિવિઘ તબક્કે પૈસા કેમ ઉપાડવામાં આવ્યાં છે, તે કોણે ઉપડ્યા છે તે ફલિત થતું નથી.
વધુમાં કહ્યું કે, આવો રિપોર્ટ મળ્યા પછી તાલુકા વિકાસ અધિકારી વડોદરાને અધિકૃત કરી અને તેઓને આ અજાણ્યાં શખસો અને તપાસમાં જે મળી આવે તેઓ સામે પોલીસ ફરિયાદ કરવાં જણાવ્યુ હતું. તે આધારે તાલુકા વિકાસ અધિકારીએ ગત 17મી ઓગસ્ટે વરણામા પોલીસ મથકોમાં આ બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં મુખ્યત્વે ગ્રામ રોજગાર સેવક, તલાટી અને સરપંચની સહી થતી હોય છે. જેનાં આધારે ગ્રામ રોજગાર સેવકની ખાતા રાહે તાલુકા વિકાસ અધિકારી ડભોઈને તેની તપાસ સોંપવામાં આવી છે અને તેઓની સામે ખાતાકીય રાહે કાર્યવાહિ થઈ રહી છે. તપાસમાં દોષિત જણાતા આગળની કાર્યવાહી થશે.
વધુમાં ઉમેર્યું કે, તલાટી અને સરપંચના કિસ્સામાં સરકારના પંચાયતના જે નિયમો છે, જેનાં આધારે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને તેની તપાસ સોંપવામાં આવી છે. બન્નેને રૂબરૂ સાંભળી બાદમાં પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ કિસ્સામાં ગ્રામ રોજગાર સેવકની તાત્કાલીક વડોદરાથી વાઘોડિયા ખાતે જે તે વખતે બદલી કરી દેવામાં આવી હતી. સાથે ટેકનિકલ આસિસ્ટન્ટની પણ વડોદરાથી શિનોર બદલી કરવામા આવી છે. હાલમાં આ કાર્યવાહી ચાલી રહી છે અને આગળ આ કેસમાં જે કોઈ પોલીસ તપાસમાં નામ બહાર આવશે, તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.