રિપોર્ટ@વડોદરા: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા દંપતી અને 2 બાળકો ઈજાગ્રસ્ત

અકસ્માતમાં મહિલાને ઈજા થઈ
 
રિપોર્ટ@વડોદરા: નશામાં ધૂત કારચાલકે બાઈકને  અડફેટે લેતા દંપતી અને 2 બાળકો ઈજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. વડોદરાના મુજમહુડા વિસ્તારમાં નશામાં ધૂત કારચાલકે બાઈક સવાર દંપતી અને બે બાળકોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાતા કારના બોનેટમાં બાઇક ફસાઈ ગયું હતું અને તે જ સ્થિતિમાં કારચાલક બાઈકને ઢસડીને દૂર સુધી લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી. અકસ્માતમાં મહિલા ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પોલીસે કારચાલકને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


જે.પી. રોડ પોલીસ સ્ટેશનના PI એસ.એમ. સગરે જણાવ્યું હતું કે, કારનો ચાલક કરણપાલસિંગ બુમરા મકરપુરા વિસ્તારનો રહેવાસી છે. હાલ એની પૂછપરછ ચાલુ છે. પરંતુ પ્રાથમિક રીતે જોતા જેને ડ્રિંક કર્યું હોય તેવું લાગે છે. મુજમહુડા વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિર પાસે કાર અને બાઇકને અકસ્માત થયો હતો, ત્યારબાદ બાઇકમાંથી ચાલક નીચે પડી ગયો હતો અને બાઇક કારના બોનેટમાં ફસાઈ ગઈ હતી. જેથી કારચાલકે બાઇકને ઢસડીને દૂર સુધી લઇ ગયો હતો.


વધુમાં જણાવ્યું હતું કે, આ દરમિયાન પોલીસે કારનો પીછો કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપી સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આરોપીની મેડિકલ તપાસ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઇ છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મહિલાના પતિ અને બે બાળકો સુરક્ષિત છે. મહિલાને પણ સામાન્ય ઇજા પહોંચી છે.

કારચાલક બાઇકને દૂર સુધી ઢસડવાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જે.પી. રોડ પોલીસે CCTVના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે મૂળ પંજાબના અને વડોદરામાં રહેતા આરોપી કરણપાલસિંગ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માતનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપી કરણપાલસિંગની ધરપકડ કરી છે.