રિપોર્ટ@વડોદરા: એક જ પરિવારમાં સસરા-પુત્રવધૂનું રહસ્યમય રીતે મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક મોતની ઘટનાઓ સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતના બનાવો સામે આવતા હોય છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં સોની પરિવારમાં સસરા-પુત્રવધૂનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે. જ્યારે પિતા-પુત્રની હાલત ગંભીર છે. પોલીસ તપાસમાં શેરડીના રસમાં ઝેર ભેળવી પીધાનું ખુલ્યું છે. હવે શેરડીના રસમાં ઝેર કોણે ભેળવ્યું એ રહસ્ય ઘેરાયું છે. મૃતક સસરા અને પુત્રવધૂના પરિવારના મોભીએ પોલીસ જાણ બહાર અંતિમસંસ્કાર કરી નાખ્યાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછ પછી પરિવારના મોભીએ ઝેર પી લેતાં તેમને પણ સારવાર માટે ખસેડાયા છે. હાલ પિતા-પુત્ર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
આ અંગે મકરપુરા પોલીસ મથકના પીઆઈ જે.એન. પરમારે જણાવ્યું હતું કે, આ બાબતે અમને ગત રાત્રે સયાજી હોસ્પિટલમાંથી વર્દી મળી હતી. તે દરમિયાન પોલીસ સયાજી હોસ્પિટલમાં પહોંચી હતી. તે દરમિયાન તેના પિતાએ જણાવ્યું હતું કે, મારી પત્નીએ મારા પુત્ર પત્ની અને પિતાને શેરડીના રસમાં પોટેશિયમ સાઈનાઈડ આપી દીધેલું છે. જે બાદ અમે તપાસ કરતા તેના પિતાને અમે તેઓના ઘરે લઈ ગયા હતા. તે દરમિયાન તેઓને અચાનક વોમેટિંગ થતા તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલત હાલ પણ ગંભીર છે. હાલમાં અમને તેના પિતા પર શંકા છે અને અમે આ બાબતે 302 દાખલ કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ.
પ્રાપ્ત વિગત મુજબ, વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા સોની પરિવારના બિંદુબેન સોની અને તેના સસરા મનોહરલાલ સોનીનું રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું, મનોહરલાલના પુત્ર ચેતનભાઈએ પોલીસને જાણ કર્યા વિના જ બન્નેના અંતિમસંસ્કાર કરી નાખ્યા હતા, જ્યારે ચેતનભાઈનો પુત્ર આકાશ સોની હાલ સયાજી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે અને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.
પોલીસે જ્યારે ચેતનભાઈની પૂછપરછ કરી હતી ત્યારે તેમણે પણ ઝેર પી લેતાં સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચેતનભાઈ સામે 302ની કલમ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘર બહાર ઝાળીએ ચેતનભાઈના પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુબેનનાં અસ્થિના કળશ બાંધેલા જોવા મળ્યા હતા.
શેરડીના રસમાં પોટેશિયમ સાઇનાઇટ ભેળવવામાં આવ્યું હતું. પાડોશીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી ભાડે રહેતા હતા, ક્યારેય કઈ ઝઘડો કે કાંઈ સાંભળવા મળતું નહોતું.
બિંદુબેનના ભાઈ મનોજકુમાર સોનીએ જણાવ્યું હતું કે, રાત્રે આ ઘટના બની હશે. સવારે મારા બનેવીના મિત્રએ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પછી તેઓનો ફોન આવ્યો હતો કે, તમારી બહેન, તેના સસરા અને તમારા ભાણિયાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જેમાં સસરાનું મોત થઈ ગયું છે તો તેની બોડી ખસેડવાનું કહ્યું છે. પહેલા અમને શેરડીનો રસ પીધો હોવાથી ફૂડ પોઇઝનિંગ થઈ ગયું હોવાની વાત કરી હતી. પરંતુ આ તો ડોક્ટરનો વિષય છે. ચેતનભાઈ મારા બનેવી થાય, તેઓ સાથે ક્યારેય નાણાને લઈ વાત થઈ નથી. તેમને દેવું હોય તેવું તેઓએ ક્યારેય કહ્યું નથી. મારા ભાણિયાની સ્થિતિ ગંભીર છે તેવું ડોક્ટરનું કહેવું છે.
આકાશના મિત્રએ જણાવ્યું હતું કે, આકાશે મને ફોન કર્યો હતો કે, મેં તને વોટ્સએપમાં દવા લખીને મોકલી છે એ તું જલ્દી લઈને આવ. આથી હું દવા લઈને તેમના ઘરે ગયો હતો. ત્યાં આકાશના મમ્મી અને દાદાને ખૂબ ઊલટી થતી હતી. આથી મેં બીજા એક મિત્રને કાર લઈને આવ તેવું કહ્યું હતું. આકાશ, તેના મમ્મી અને તેના દાદાને કારમાં લઈ જઈ સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ આકાશના દાદા અને તેની મમ્મીનું મોત નિપજ્યું હતું. જ્યારે આકાશની હાલત ગંભીર છે. આકાશના મમ્મી અને તેના દાદાના અંતિમસંસ્કાર તેમના પપ્પા ચેતનભાઈએ કર્યાં છે. આકાશના પપ્પા પણ ક્રિટીકલ કન્ડિશન પર છે. ચેતનભાઈએ એવું કબલ્યું હતું કે, હા મેં શેરડીના રસમાં પોઇઝન ભેળવીને પરિવારને પીવડાવ્યું હતું. ચેતનભાઈને હાલ કોઈ બિઝનેસ નથી. પહેલા રિંગ મેન્યુફેક્ચરિંગનો ધંધો હતો. આકાશના પરિવારમાં રૂપિયા બાબતે થોડો પ્રોબ્લેમ હતો.