રીપોર્ટ@વડોદરા: વિદેશી વિદ્યાર્થીઓએ આતંક મચાવ્યો અને વાહનોમાં તોડફોડ કરી

વાઘોડિયા નિમેટા રોડની સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા 7 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ નિમેટા રોડ ઉપર મોડી રાત્રે આડાસ મૂકીને ભારે આતંક મચાવ્યો હતો.
 
રીપોર્ટ@વડોદરા: વિદેશી વિદ્યાર્થીઓએ આતંક મચાવ્યો અને વાહનોમાં તોડફોડ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. વડોદરા નજીકની એક ખાનગી યુનિવર્સિટીના વિદેશી સ્ટુડન્ટ સ્થાનિકો સાથે ભીડાયા છે. વાઘોડિયા નિમેટા રોડની સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા 7 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ નિમેટા રોડ ઉપર મોડી રાત્રે આડાસ મૂકીને ભારે આતંક મચાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગરબા જોઈને પરત ફરતાં ગ્રામજનો ઉપર તેમણે હુમલો કરી વાહનોની તોડફોડ કરી હતી. વિદેશી વિદ્યાર્થીઓએ યુવતીઓને પણ નિશાન બનાવી હતી. આ ઘટનામાં આઠથી વધુ ગ્રામજનોને નાની મોટી ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનના પી.આઇ. પી. આર. જાડેજાએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે બંને પક્ષે સમાધાન થઇ ગયું છે. ફરિયાદ નોંધાઇ નથી.

વાઘોડિયા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે કુમેઠા ગામના રહેવાસી ગિરિશ ચૌહાણે જણાવ્યું હતું કે, નિમેટા પાસે આવેલી એક સોસાયટીમાં ભાડેથી રહેતા અને વાઘોડિયા વિસ્તારની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 6થી 7 વિદ્યાર્થીઓએ રાત્રે નિમેટા સિકોતર માતાના મંદિર પાસે રસ્તા ઉપર આડાસ મૂકીને ગરબા જોઈને પરત ફરી રહેલા ગામના યુવાનો અને યુવતીઓને રોકીને હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત આ વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા કાર સહિત વાહનોની તોડફોડ કરવામાં આવી હતી અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા આઠ જેટલા યુવાનોને ઇજા પહોંચી હતી. વિદેશી વિદ્યાર્થીઓ નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો.

જાણવા મળ્યા મુજબ મોડી રાત્રે બનેલા બનાવને પગલે પંથકમાં હાહાકાર મચી ગયો હતો. અને ગ્રામ્યજનો વિદેશી વિદ્યાર્થીઓના ભાડાના મકાનોમાં પહોંચી તેઓના મકાનોમાં પણ તોડફોડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રામ્યજનો વચ્ચે થયેલી છૂટાહાથની મારામારીમાં 8 જેટલા વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ખાનગી યુનિવર્સિટીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે બનેલા આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને વિદેશી વિદ્યાર્થીઓના નિવાસસ્થાનો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મામલો વધુ ઉગ્ર બને તે પૂર્વે પોલીસ દોડી ગયેલી પોલીસે મામલો થાળે પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મોડી રાત્રે બનેલી આ ઘટના અંગે વાઘોડિયા પોલીસ મથકના પી. આઇ. પી. આર. જાડેજાએ જણાવ્યું હતું કે, પારૂલ યુનિવર્સિટીમાં મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા અને નિમેટા પાસેની સોસાયટીમા ભાડે રહેતા 7 જેટલા વિદ્યાર્થીઓ અંદરોઅંદર ઝઘડો કરી રહ્યા હતા. દરમિયાન ત્યાંથી 7 થી 8 જેટલા ગ્રામજનો પસાર થઇ રહ્યા હતા. તે સમયે વિદ્યાર્થીઓ અને ગ્રામ્યજનો વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને પોલીસ મથકમાં લઇ આવી હતી. આ બનાવમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં એક પણ પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આથી આ બનાવમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.