રિપોર્ટ@વડોદરા: 7 વ્યક્તિઓને ફળિયામાં રખડતા કૂતરાઓએ બચકા ભર્યાં

તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
 
રિપોર્ટ@વડોદરા: બાળકી સહિત અન્ય 6 વ્યક્તિઓને ફળિયામાં રખડતા કૂતરાઓએ બચકા ભર્યાં 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં રખડતા ઢોર અને કુતરાઓનો ત્રાસ ખુબજ વધી ગયો છે. કુતરાઓ  ઘણા લોકો પર અચાનકજ હુમલો કરી રહ્યા છે. વડોદરા શહેર જિલ્લામાં રસ્તે રખડતા કૂતરાઓ કરડવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર સહિત વરણામાં ગામમાં રહેતી એક વર્ષની બાળકી સહિત અન્ય છ વ્યક્તિઓને ફળિયામાં રખડતા કૂતરાઓએ બચકા ભરીને ઈજાઓ પહોંચાડતા આ તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં હાલમાં તમામની સારવાર ચાલી રહી છે. જેમાં એક વર્ષની બાળકીનો સમાવેશ થયો છે.


મળતી વિગતો અનુસાર વડોદરા શહેર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં આ કૂતરાઓ રાત્રિના સમયે વાહનો પાછળ દોડવાથી વાહન અકસ્માતના બનાવો પણ વધુને વધુ બની રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના ગોત્રી હરીનગરમાં એક જ ફળિયામાં રહેતા છ જેટલા વ્યક્તિઓને કૂતરાએ બચકા ભરીને ઈજાઓ પહોંચાડતા અફર તફરી મચી જવા પામી હતી. આ બનાવને લઇ ગામમાં કૂતરાના ડરનો માહોલ સર્જાયો હતો.


આ સાથે વડોદરાના વરણામાં ગામના ઢોલી ફળિયામાં રહેતી પ્રિયંકા અલ્પેશભાઈ યાદવ (ઉંમર વર્ષ 1) ને ગામના રામજી મંદિર ફળિયામાં કૂતરાએ બચકું ભરી લીધું હતું. જેથી આ બાળકીને પણ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. એક જ દિવસમાં સાત જેટલા વ્યક્તિઓને કૂતરા કરતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્તોને તબિબ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આ તમામની સારવાર હાલમાં ચાલી રહી છે અને કૂતરા કરડવાથી ઈજા પામેલમાં નિરાલીબેન (ઉંમર વર્ષ 6), વૈશાલીબેન (ઉંમર વર્ષ 7), મીનાબેન (ઉંમર વર્ષ 24), વર્ષાબેન (ઉંમર વર્ષ 12)ને સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આમ એક જ દિવસમાં આ રીતે શ્વાન કારડવાના એકા એક બનાવ સામે આવતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.