રિપોર્ટ@વડોદરા: લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર સામે વિરોધ વંટોળ ઉઠ્યો

શહેરમાં કોંગ્રેસનો લોકલ ઉમેદવાર હોવો જોઈએ
 
રિપોર્ટ@વડોદરા: લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર  સામે વિરોધ વંટોળ ઉઠ્યો

અટલ  સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીના થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે કેટલીક જગ્યાઓ પર વિરોધ જોવા મળી રહ્યો છે. વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢીયારને જાહેર કર્યાં પછી તેમની સામે પણ વિરોધ વંટોળ ઉઠ્યો છે. વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને આયાતી ઉમેદવારને બદલવા માટે માંગ કરી છે.


કોંગ્રેસના કાર્યકર વિનોદ શાહે તેઓએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, વડોદરામાં ભાજપે ભલે આયાતી ઉમેદવાર મુક્યો, પરંતુ અમારે કોંગ્રેસમાં આયાતી ઉમેદવાર જોઇએ નહીં, ભાજપમાં કોઇનાથી કશું બોલાતુ નથી પરંતુ, કોંગ્રેસમાં કોઇના બાપની સાડાબારી ચાલવાની નથી. હું કોંગ્રેસનો નીડર કાર્યકર્તા છું અને મને જે સાચુ લાગશે, તે હું બેધડક બોલવાનો. જો વડોદરાનો ઉમેદવાર બદલવામાં નહીં આવે અને ભથ્થુભાાઇને ઉમેદવાર બનાવવામાં નહીં આવે તો વડોદરામાં જોવા જેવી થશે.


વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહે  સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 24 વર્ષથી કોંગ્રેસનો કાર્યકર છું. આ ઉપરાંત વડોદરા શહેર કોંગ્રેસમાં વાઇસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યો છું. મારી એક જ લાગણી છે કે, વડોદરામાં કોંગ્રેસનો લોકલ ઉમેદવાર હોવો જોઇએ. તે જીતે કે હારે એ પછીની વાત પણ જો હારે તો પણ મર્દાનગીથી હારે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા લોકસભામાં શહેરની 5 વિધાનસભા આવે છે, જ્યારે જિલ્લાની માત્ર 2 વિધાનસભા જ આવે છે. તો મારો સવાલ એ છે કે, કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહને શહેરના કેટલા લોકો ઓળખે છે. તેની સાથે વડોદરા શહેર કોંગ્રેસના ઘણા નેતા 40થી 45 વર્ષથી મહેનત કરે છે અને કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા છે અને શહેરની સેવા કરી રહ્યા છે. તેમાંથી કોઇ નેતાને ઉમેદવાર તરીકે પસંદ કર્યો હોત તો ઘણુ સારું હતું.


તેઓએ ઉમેર્યુ હતું કે, આ તો કોંગ્રેસના નેતાઓ વેચાઇ ગયું હોય એવું લાગે છે અને એ લોકોએ પાટીલ સાહેબ કે મોદી સાહેબ જોડે સેટીંગ કરી લીધુ હશે કારણ કે, વડોદરા બેઠક વડાપ્રધાન મોદી માટે પણ ઇજ્જતવાળી બેઠક છે. જો વડોદરા બેઠક પર હારી જાય તો મોદી અને ભાજપનું નાક કપાઇ જાય. જશપાલસિંહ પઢીયાર ખૂબ નબળા ઉમેદવાર છે, તેઓ આયાતી ઉમેદવાર છે અને તેમને વડોદરા શહેરમાં ગણ્યાગાઠ્યા લોકો ઓળખતા હશે, તેમની ડિપોઝીટ જશે.


તેઓએ કહ્યું કે, ભાજપે આયાતી ઉમેદવાર મુક્યો, તેની સામે કોંગ્રેસે પણ આયાતી ઉમેદવાર મુકી દીધો, જેથી કરીને કોંગ્રેસ જીતી ન શકે અને આયાતીનો મુદ્દો કોંગ્રેસ માટે ન રહે. વડોદરા શહેરની 80 ટકા જનતા લોકલ ઉમેદવારને જ પસંદ કરશે. કોંગ્રેસ 90 ટકા પતી જ ગઇ છે અને કોંગ્રેસને પતાવવા માટે કોંગ્રેસના ફૂટી ગયેલા નેતાઓનો હાથ છે. કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે સાંઠગાઠ કરીને ટિકીટોની વહેચણી કરે છે.


તેઓએ ઉમેર્યુ હતું કે, 24 વર્ષથી મેં ખૂબ મહેનત કરી છે, ખૂબ કાર્યક્રમો આપ્યા છે. અમારે કમાવવુ નથી. અમે કોંગ્રેસને આપવા માટે આવ્યા છીએ. અમારે કંઇ જોઇતુ નથી. કોંગ્રેસે આબરુ બચાવવી હોય તો જેમ ભાજપે નિર્ણય લઇને ઉમેદવાર બદલ્યો તેમ કોંગ્રેસે પણ ઉમેદવાર બદલીને લોકલ ઉમેદવારને મૂકવો જોઇએ અને સ્થાનિક સામે આયાતીનો મુદ્દો બનાવીને કોંગ્રેસે ચૂંટણી લડવી જોઇએ. મારા પર કોઇનું દબાણ નથી અને હું કોઇના ગભરાતો નથી. હું દેશની જનતા માટે બોલુ છું.