રિપોર્ટ@વડોદરા: સગીરનું બાઈક સ્લીપ થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા શહેરમાથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. સમા તળાવ પાસે ભારત પેટ્રોલ પંપ પહેલાં મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સગીર હિતેન્દ્ર પિતાની બાઈક લઈને બહાર નીકળ્યો હતો અને સમા તળાવ પાસે જતાં પૂરપાટ ઝડપે અને બેદરકારી પૂર્વક વાહન ચલાવતાં બાઇક સ્લિપ થઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ગંભીર ઇજાઓને લઈ માથાના ભાગેથી લોહી વહી જતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
મૃતક હિતેન્દ્રના મોટાભાઈ રાહુલભાઈએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કડેશ્વર હનુમાનજી મંદિર સામે, તુલસીવાડી, કારેલીબાગમાં રહે છે. તેમના પિતા રાજુભાઈ સવાભાઈ પરમાર ભંગારનો વેપાર કરે છે. ગઈકાલે રાત્રે જમીને હિતેન્દ્ર ક્યાંક ગયો હતો અને રાત્રે ઘરે પરત ન આવતાં તેને ફોન કર્યો હતો. મધરાતે 12:38 વાગ્યે હિતેન્દ્રએ ફોન ઉપાડીને કહ્યું કે, થોડીવારમાં ઘરે આવું છું, પરંતુ તે ન આવતાં ફરી 1:29 વાગ્યે ફોન કરતાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ફોન ઉપાડ્યો અને જણાવ્યું કે, આ ફોનના માલિકનો સમા તળાવ પાસે ભારત પેટ્રોલ પંપ પહેલાં અકસ્માત થયો છે અને તે મૃત્યુ પામ્યો છે.
રાહુલભાઈ અને તેમના બીજા ભાઈ રોહિત તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં હિતેન્દ્ર માથાની ગંભીર ઈજાઓ સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ગંભીર અકસ્માત સમા તળાવ સર્કલથી ઊર્મિ બ્રિજ તરફ જતા રસ્તા પર થયો હતો. આ ઘટનાએ પરિવારમાં શોકનું મોજું ફેરવી દીધું છે. સમા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

