રિપોર્ટ@વડોદરા: વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો, 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા તબાહી મચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરામાં ભારે વરસાદ અને પવનના કારણે ભારે તબાહી મચી છે. વડોદરામાં સાંજે 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા 20 મિનિટમાં તબાહી મચી ગઇ. 4ના મોત 300થી વધુ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ ધરાશાયી થઈ ગયા. વાતાવરણના નીચલા ભાગ પર પવનોના કારણે બનેલા નવા વાદળો અને અપર એર સર્ક્યુલેશનને કારણે વડોદરામાં બુધવારે મોડી સાંજે 6 વાગ્યે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. અનેક સ્થળોએ વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી હતી. એક રેસ્ટોરન્ટ પાસે આખે આખું કેબીન ઉડીને દૂર ફેંકાઈ ગયું ગયું હતું. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સાંજે 20 મિનિટ પવનની ઝડપ 110 કિમીએ જતા 300થી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે. જ્યુબિલીબાગ સહિત 3 સ્થળે વીજ થાંભલા પડ્યા હતાં. જ્યારે વાવાઝોડાને કારણે 4 લોકોના મોત થયા છે. સાંજે 6થી રાતના 8 સુધીમાં 3 ઈંચ વરસાદ પડતાં ચાર દરવાજા સહિત 20થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતાં.
ફાયર વિભાગમાં મળેલા કોલ મુજબ સવારે 6 વાગ્યા સુધીમાં 150 ઝાડ કટિંગની કામગીરી પૂર્ણ કરેલી છે. હજુ પણ શહેરમા એનેક જગ્યાએ ઝાડ પડેલા છે. અત્યાર સુધીમાં 14 કાર, 14 ટુ-વ્હીલર, 1 રિક્ષા મળી કુલ 29 વાહનોને નુકસાન થયું છે. ત્યારે શહેરમા હજુ પણ કેટલીય જગ્યાએ ઝાડ પડ્યા છે. સાથે આવાં વિસ્તારોમાં હજુ વીજ પુરવઠો ખોરવાયેલો છે. શહેરના જુનીગઢી વિસ્તારમા ઝાડ પડવાથી ત્રણ દુકાનોને નુકસાન પહોંચ્યું છે. સાથે વીજ પોલ ધરાશાયી થતા વીજ વાયરો તૂટી પડ્યા છે અને આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. સ્થાનિકોની માગ છે કે, અમે છેલ્લા કેટલાય કલાકોથી વીજ વિભાગ અને ફાયર વિભાગને જાણ કરી છે છતાં પણ કોઈ અહીંયા આવ્યું નથી.
વાવાઝોડાના કારણે વીજ પુરવઠા અંગે માહિતી આપતા એમજીવીસીએલના સુપરિટેન્ડેન્ટ એન્જિનિયર ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે ભારે વાવાઝોડાના કારણે 40 જેટલા ફીડરો વડોદરા શહેરમાં બંધ પડ્યા હતા. જે મોડીરાત સુધીમાં કાર્યરત કરવામાં આવ્યા છે. હાલ સુધીમાં 57 વીજપોલ ધરાશાયી થયા છે. જ્યારે હાલમાં શહેરના તરસાલી માંડવી સહિતના બેથી ચાર જેટલા વિસ્તારોમાં વીજ પુરવઠો આપવાની કામગીરી ચાલી રહી છે.
પ્રચંડ વાવાઝોડાના કારણે એક 24 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે, તો જિલ્લાના પાદરામાં કિરણસિંહ છત્રસિહ રાઠોડ (ઉં.વ.50 રહે. પીપળીગામ ઘંટીવાળુ ફળિયુ તા.પાદરા જી.વડોદરા) ગઈકાલે સાંજે પોતાની બાઈક પર જતા હતા તે દરમિયાન અંબાશકરી નજીક રોડ ઉપર નીલગીરીનું મોટુ ઝાડ માથા પર પડતા ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ શહેરના કપુરાઇ નજીક મૂળ વરાછા સુરતના 45 વર્ષીય જગદીશ હીરપરા પોતાની કાર લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન વિશાળ બોર્ડ તેમના પર પડતા તેમનું પણ મોત થયું હતું.
આ સાથે વરસાદી માહોલ વચ્ચે દાહોદના 29 વર્ષીય જનક નીનામા હાલોલથી વડોદરા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ટોલટેક્સ પાસે જ તેઓની બાઈક સ્લીપ થઈ હતી અને તેઓને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ તમામ મૃતક વ્યક્તિઓની સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોઠી કચેરીની દિવાલ પડતાં વાહનો દબાયાં વરસાદને કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની હતી. ઐતિહાસિક કોઠી કચેરીની દિવાલ પડી જતા પાર્ક કરેલા ટુ-વ્હીલર્સ અને કાર દબાઈ હતી. 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા 10થી વધુ હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતાં. સદનસીબે જાનહાનિ થઈ નહોતી. જો કે, કેટલાક રસ્તાઓ પર અવરોધો ઉભા થયા હતાં. ફાયરબ્રિગેડે કામગીરી કરી રસ્તા ક્લિયર કર્યા હતા.
બીજી તરફ વડોદરા શહેરના હરણી એરપોર્ટ બહાર આવેલ પેસેન્જર એરિયામાં છત પરથી પાણી પડતું હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એરપોર્ટ પર આવેલ મુસાફરો ઉપર વરસાદી પાણી પડી રહ્યું છે. જેનાં કારણે મુસાફરોને ભારે હાલાકીને સામનો કરવો પડી રહ્યો છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં લાલીયાવાડી સામે આવતા કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
આ અંગે સ્થાનિક અશોકભાઇએ જણાવ્યુ હતું કે, સાંજે વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે મુકુલ ભારતી સ્કૂલ પાસેનું ઝાડ પડવાથી દુકાનોને નુકસાન થયું છે સાથે બે વીજ પોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ અંગે વીજ કંપનીમાં અમે જાણ કરવા છતાં પણ કોઈ અધિકારી અહીં જોવા આવ્યા નથી. સાથે જ ફાયરને પણ જાણ કરી છે. પરંતુ અહીં કોઈ આવ્યું નથી. ફ્લેટમાં બારીઓના કાચ તૂટી ગયા વેમાલી રોડ પર આવેલા અનેક ફ્લેટમાં બારીઓના કાચ તૂટી ગયા હતાં. શટર બારીઓમાં જે કાચ હતા તે કાચ પવનોના કારણે તૂટી નીચે પડતા રહીશોમાં ભય ફેલાયો હતો. ભયજનક સ્થિતિ વચ્ચે રહીશો દરવાજા અને બારીઓથી દૂર જ રહ્યાં હતાં. ગરબાના મેદાનોમાં પાણી ભરાયા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા કાદવ થઈ ગયો હતો. જ્યારે મેદાનને કોર્ડન કરેલા પતરાં પણ ઉડી ગયા હતાં. કેટલાક ગરબા મેદાનો પર તોરણ સહિતનું જે પણ ડેકોરેશન કર્યું હતું તેને પણ નુકસાન થયું હતું. આમ આયોજકોને ફરીથી તૈયારી કરવાનો વારો આવ્યો છે.
SSG અને 10 માળની ઇમારતની સોલાર પેનલો પડી ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ઝાડ-થાંભલા પડવાની ઘટનાઓ સામે આવી છે, સયાજી હોસ્પિટલની નવી લાઈબ્રેરીની તથા ઓડિટોરીયમની સોલાર પેનલ તૂટીને નીચે પડી હતી. જ્યારે નવાપુરા વિસ્તારમાં ક્રિષ્ના ટાવરના ટેરેસ પરની સોલાર પેનલો પણ 10મા માળેથી નીચે પડી હતી.