રિપોર્ટ@વડોદરા: વિશ્વામિત્રી નદીના પૂર પીડિત લોકોનો કલેકટર કચેરી ખાતે મોરચો

કલેકટર કચેરીના પ્રાંગણમાં પૂર પીડીતોએ ભાજપા વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા હતા અને ન્યાયની માગણી કરી હતી
 
રિપોર્ટ@વડોદરા: વિશ્વામિત્રી નદીના પૂર પીડિત લોકોનો કલેકટર કચેરી ખાતે મોરચો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરમાં ભારે વરસાદના કારણે કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરમાં સર્વસ્વ ગુમાવી દેનાર શહેરના વિસ્તારના લોકોનો મોરચો શહેર કોંગ્રેસની આગેવાનીમાં આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યો હતો. કલેકટર કચેરીના પ્રાંગણમાં પૂર પીડીતોએ ભાજપા વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા હતા અને ન્યાયની માગણી કરી હતી. પીડિતોએ આક્ષેપ કર્યો હતો કે, પૂરમાં અમે બરબાદ થઈ ગયા છે. હજુ સુધી અમને સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવી નથી. અમોને સહાય આપો.

હજુ સુધી કેશડોલ મળી નથી વિશ્વામિત્ર નદીમાં આવેલા પૂરના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા વિસ્તારના ગરીબ લોકોને કેશડોલ સહિતની કોઈ સહાય ન મળતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને કોર્પોરેશનના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવની આગેવાનીમાં પૂરપીડીતો ન્યાયની માંગણી સાથે કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. કલેકટર કચેરીમાં પૂર પીડીતોએ ભાજપા વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. અને આક્ષેપ કર્યો હતો કે પૂર ઓસરીને આજે એક સપ્તાહ ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં સરકાર દ્વારા ચૂકવવામાં આવતી કેશ ડોલની સહિત હજુ કોઇ સહાય હજુ પહોંચાડવામાં આવી નથી. આ ઉપરાંત પૂરમાં અમારો ઘરવખરી સામાન પણ તણાઈ ગયો છે. તે અંગેની પણ કોઈ સહાય આપવામાં આવી નથી. કોર્પોરેશનના કારણે આવેલા પૂરના કારણે અમારી હાલત કફોડી બની ગઈ છે.

યોજનાઓ માત્ર કાગળ ઉપર શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનના ભ્રષ્ટાચારી ભાજપા શાસનના કારણે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું છે. આ પૂરના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. પૂર બાદ મળવા પાત્ર કેશ ડોલ હજુ સુધી લોકોને મળી નથી. સરકાર દ્વારા મોટા લોકોને રૂપિયા 100 અને નાના બાળકોને રૂપિયા 60 ચૂકવવામાં આવે છે. પરંતુ શહેર ભાજપ દ્વારા માત્ર ચોક્કસ વિસ્તારમાં જ કેસડોલ આપવામાં આવી આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકાર દ્વારા વિવિધ યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ તે માત્ર કાગળ ઉપર જ હોય છે. સરકાર દ્વારા ગરીબોને રૂપિયા 2,500 આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ, હજુ સુધી કોઈના ખાતામાં આ નાણાં આવ્યા નથી. સરકાર ગરીબો અને ઝૂંપડાવાસીઓને મૂરખ બનાવી રહી છે.

આવેદનપત્ર આપવામાં આવ્યું શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને કોંગ્રેસના વિપક્ષની નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સરકાર વહેલી તકે ગરીબો અને મધ્યમ વર્ગને ન્યાય આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે‌. સરકાર દ્વારા વહેલી તકે કેશડોલ ગરીબોને ચૂકવવામાં આવે અને પૂરમાં થયેલા નુકસાનીનું વળતર પણ ચૂકવવામાં આવે. કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેકટર બીજલ શાહને આવેદન પત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી.