રિપોર્ટ@વડોદરા: આઇસરની અડફેટે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરામાં આઇસરની અડફેટે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું છે. આજવા ચોકડી પાસે સસરા બાઇક પર પુત્રવધૂને નોકરી માટે મુકવા જતા હતા તે દરમિયાન ઘટના બની છે. 31 વર્ષીય પ્રિન્સા પરમારનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતદેહ સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ખાતે પહોંચતા જ પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું.
મળતી વિગત અનુસાર, મૃતક યુવતીનું નામ પ્રિન્સા કુંદન પરમાર પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. તેના સસરા યુનિવર્સિટીમાં મૂકવા જતા હતા તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો. સસરા ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાથી તેઓ લઈને જતા હતા. થોડાક સમય અગાઉ દિયરના લગ્ન થયા હતા અને પતિ દુબઈ રહે છે.
મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, આ આજવા રોડ ચોકડી છે, ત્યાં આગળ મારી બેનનું ટેમ્પો ચાલક દ્વારા એક્સિડન્ટ કરવામાં આવેલ છે. આ અહીંયા નવ વાગ્યા પછી અહીંયા ભારદારી વાહનોની નો એન્ટ્રી હોવા છતાં અહીંયાથી પસાર થઈ થયા છે, જેમાં મારી બેનનું અહીંયા મોત થયું છે. અહીંયા કલાકથી વધુ સમય થઈ ગયો છે અને હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અહીંયા મૃતદેહ એવીને એવી હાલતમાં પડી રહ્યો છે. અહીંયા પંચનામું કરી રહ્યા છે, એના કરતાં જો ત્યાં લઈ ગયા હોત તો સારી વાત હતી.
તેને વધુમાં કહ્યું કે, અહીંયા ડેથ બોડી કલાકથી પડી છે, માખો બણબણે છે, બ્લડ પડી રહ્યું છે અને એમ્બ્યુલન્સ પણ મંગાવી હોવા છતાં કલાક-દોઢ કલાકથી હજુ એમ્બ્યુલન્સ આવી નથી. હું તો અહીંયા તંત્રની જ બેદરકારી માનું છું. અહીંયા આટલા બધા પોલીસવાળા હોવા છતાં પણ જો આવી ઘટનાઓ બનતી હોય તો એ કેવી રીતે શક્ય છે?

