રિપોર્ટ@વડોદરા: 2 જગ્યાએ અચાનક ભયાનક આગ લાગી, 1વ્યક્તિનું મોત

મકરપુરામાં SRP ગ્રુપ-9ના સ્ટોરરૂમમાં લાગેલી આગ કાબૂમાં

 
રિપોર્ટ@વડોદરા: 2 જગ્યાએ અચાનક ભયાનક આગ લાગી, 1વ્યક્તિનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે સવારે 2 અચાનક ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં સયાજીપુરામાં વિનાયક સોસાયટી બી ટાવર-506માં આગ લાગતાં 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા નામની વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે મકરપુરામાં SRP ગ્રુપ-9માં પણ સ્ટોરરૂમમાં વિકરાળ આગ લાગી હતી. બાદમાં બંને જગ્યાએ આગ કાબૂમાં આવી ગઈ હતી.

વડોદરામાં સયાજીપુરા વિસ્તારમાં ઘરમાં આગનો બનાવ સામે આવ્યો હતો. સયાજીપુરા ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર-506માં આગ લાગતાં 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા સળગી ગયા હતા. મૃતક સૂતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. તે રૂમમાં એસી પણ હતું. આ આગ કયા કારણોસર લાગી છે તે કારણ હજુ જાણી શકાયું નથી. મૃતક રિલાયન્સ કંપની હાલોલમાં વર્કર તરીકે કાર્યરત હતા. મૃતકની પત્ની નોકરી જતાં રહ્યાં એની 10 મિનિટ બાદ આ દુર્ઘટના બની હતી. દુર્ઘટના સમયે તેઓ ઘરમાં એકલા જ હતા.

આ આગના બનાવમાં બેડમાં જ યુવક ભડથું થઈ ગયો હોય તેવું નજરે પડ્યું હતું. આ બનાવમાં એફએસએલ ટીમે બેડરૂમમાં અને ઘરમાં વિવિધ શકાસ્પદ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. આગ લાગવાનું કારણ ગેસ લીકેજ છે કે કેમ તે જાણવા એજન્સીના કર્મચારીને પણ બોલાવવામાં આવ્યા હતા. આ બનાવમાં મૃતદેહની એફએસએલ તપાસ બાદ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળે બાપોદ પોલીસ અને એફએસએલની ટીમ કામ કરી રહી છે અને આ આગ કયા કારણોસર લાગી તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ આગના બનાવમાં આસપાસના લોકોને જાણ થતા જ તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરી હતી. જેથી પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી આગ આસપાસના મકાનમાં પ્રસરતા રહી ગઈ અને મોટી જાનહાનિ ટળી હતી.

વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલ SRP ગ્રુપ 9 આગના બનાવમાં ફાયર વિભાગે પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં વડોદરા ફાયર વિભાગને સવારે 9.35 કલાકે કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો અને એક પછી એક કુલ આઠ ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ કામગીરીમાં જીઆઈડીસી ફાયર સ્ટેશનની કુલ 4 ગાડીઓ અને પાણીગેટ, ટીપી 13, વાસણા, વડીવાડી ફાયર સ્ટેશનની એક-એક ગાડી સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.

આ અંગે સ્ટેશન ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે ડેરી સર્કલ પાસે ડીમાર્ટની સામે એસઆરપી ગ્રુપમાં ફાયરનો કોલ જીઆઇડીસી ફાયર સ્ટેશનને મળતા જીઆઇડીસી, ટીપી-13, ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પ્રાથમિક તબક્કે શોર્ટસર્કિટ કે ઓવર વાયર હિટિંગના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું. સ્ટોરેજમાં રહેલો સંપૂર્ણ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આમા મુખ્ય ચેલેન્જ એ હતી કે તેમાં ગેસ સિલિન્ડર હતા તેને પણ કુલિંગ કર્યા હતા.