રિપોર્ટ@વડતાલ: CMનું મોટું નિવેદન: “અમારી તાકાત અહીંયા છે એટલે અહીંયા આવવું પડે”
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડતાલધામમાં યોજાયેલા ભવ્ય કાર્તિકી સમૈયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હરિભક્તોને સંબોધતા એક *સૂચક અને મોટું નિવેદન* આપ્યું છે. સત્સંગના મંચ પરથી જ CMએ રાજકારણ અને સત્સંગના સંબંધ પર ખુલીને વાત કરી, જેની હવે આખા ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે.
CMએ કહ્યું, *"તો સરખુ ચાલે ને, હરિભક્તોને એમ થાય કે આ બધું રાજકારણ સત્સંગમાં ક્યાંથી આવ્યું?"*
તેમણે વધુમાં ઉમેર્યું કે, *"અમારી તાકાત અહીંયા છે એટલે અહીંયા આવવું પડે."*
CMના આ નિવેદનને વડતાલના મંચ પરથી રાજકીય રીતે ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. હરિભક્તોની તાળીઓના ગડગડાટ વચ્ચે CMએ સત્સંગની તાકાત અને તેના સમાજ પરના પ્રભાવની પણ વાત કરી હતી.
*એક જ દિવસમાં બે મોટા ધાર્મિક કાર્યક્રમો*
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે આણંદ અને ખેડા જિલ્લાના પ્રવાસે હતા.
સવારે 8 વાગ્યે તેઓ આણંદ-સોજિત્રા રોડ પર આવેલા મોરડ ગામમાં પૂજ્ય દાદા ભગવાનની *119મી જન્મજયંતિ મહોત્સવ*માં પહોંચ્યા હતા. અહીં તેમણે દર્શન કર્યા અને 'જોવા જેવી દુનિયા' પ્રદર્શન નિહાળ્યું હતું.
ત્યારબાદ સવારે 10.30 વાગ્યે આણંદના વલાસણા સ્થિત મેલડી માતા મંદિરમાં દર્શન કરીને તેઓ સમયસર વડતાલના કાર્તિકી સમૈયામાં પહોંચ્યા હતા.
*વડતાલમાં CMની હાજરી અને દર્શન*
વડતાલધામ પહોંચ્યા બાદ CMએ સૌપ્રથમ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. ધોલેરાધામ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત ભવ્ય કાર્તિકી સમૈયામાં તેઓ સહભાગી થયા હતા. મંચ પર સંતો-મહંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.
*શ્રદ્ધાળુઓ અને વિદ્યાર્થીઓ માટે મોટી ભેટ*
આ પ્રસંગે CMના હસ્તે શ્રદ્ધાળુઓ અને વિદ્યાર્થીઓ માટે અનેક મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
*1. હરિકૃષ્ણ મહારાજ પ્રાથમિક કુમારશાળા:* નવનિર્મિત શાળાનું ઉદ્ઘાટન અને ઈ-લોકાર્પણ કરાયું. જેનાથી સ્થાનિક બાળકોને સારું શિક્ષણ મળશે.
*2. ગોપાલાનંદ સ્વામી અતિથિ ભવન:* બહારથી આવતા શ્રદ્ધાળુઓ અને આગંતુકો માટે અતિથિ ભવનના વિસ્તરણ કાર્યનું લોકાર્પણ કરાયું. હવે યાત્રીઓની રહેવાની વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
*3. શ્યામવલ્લભદાસજી સ્વામી સ્મૃતિ દ્વાર:* નરસંડા ચોકડી પાસે નિર્મિત અક્ષરનિવાસી શ્યામવલ્લભદાસજી સ્વામી સ્મૃતિ દ્વારનું પણ CM દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં આ તમામ વિધિઓ સંપન્ન થઈ હતી.

