રિપોર્ટ@અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાઇફલ શૂટિંગ રેન્જ ગુજરાત રાઇફલ એસોસિએશનને સોંપવાના નિર્ણયના વિરોધમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. NSUIનો આક્ષેપ છે કે આ નિર્ણય માત્ર સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને ફાયદો પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે. આ મુદ્દે રજૂઆત કરવા આવેલા NSUIના કાર્યકર્તાઓએ કુલપતિ નીરજા ગુપ્તા ઓફિસમાં હાજર ન મળતા નિવાસસ્થાન પર પહોંચ્યા હતા.
સિક્યુરિટી કેબિન પર ચડીને કુલપતિના રાજીનામાની માગ સાથે નારાબાજી કરી હતી, જેના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હોબાળો કરી રહેલા NSUIના અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
ગુજરાત યુનિવર્સિટીમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. રાઇફલ શૂટિંગ રેન્જ રાઈફલ એસોસિએશનને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાઇફલ શૂટિંગ રેન્જ ભલે રાઇફલ એસોસિએશનને સોંપવામાં આવ્યું હોય પરંતુ તે સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન જ ચલાવવાનો છે. જેથી આશિષ અમીનનું સિન્ડિકેટ સભ્ય પદ પરથી રાજીનામું લેવામાં આવે તેવી માગ કરી છે.
NSUIના કાર્યકર્તાઓ કુલપતિને રાજીનામા આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ કુલપતિ નીરજા ગુપ્તા ઓફિસમાં હાજર ના હોવાથી NSUIએ રામધુન બોલાવી હતી. કુલપતિને જ રજૂઆત કરવા માટે NSUIના કાર્યકર્તાઓ અડગ જોવા મળ્યા હતા. અડધો કલાકનો સમય કુલપતિને આપવામાં આવ્યો હતો, પરંતુ કુલપતિ ગુજરાત યુનિવર્સિટીમાં હાજર ના થતા NSUIના કાર્યકર્તાઓ કુલપતિના ઘટે પહોંચી ગયા હતા. કુલપતિ નીરજા ગુપ્તાના બંગલા પાસે સિક્યુરિટી કેબિન પર ચડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કુલપતિ રાજીનામું આપે તેવા નારા પણ NSUIના કાર્યકર્તાઓએ લગાવ્યા હતા.
પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયાનો 75 લાખની લેતીદેતીનો ઓડિયો સામે આવ્યો છે. તેમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી પણ NSUI દ્વારા માગ કરવામાં આવી છે. જો કે, કુલપતિના બંગલા આગળ સિક્યુરિટી ગાર્ડની કેબીન પર ચડી રાજીનામાના નારા લગાવતા પોલીસ પણ પહોંચી ગઈ હતી. જે બાદ પોલીસે સિક્યુરિટી ગાર્ડની કેબિન પર ચડીને NSUIના કાર્યકર્તાઓને નીચે ઉતાર્યા હતા. તે બાદ પણ ગેટ પાસે બેસી વિરોધ દર્શાવતા પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. એક બાદ એક NSUIના કાર્યકર્તાઓને ગાડીમાં બેસાડી અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

