રિપોર્ટ@વડોદરા: ભરતીના મેરિટમાં 15 ઉમેદવાર આગળ છતાં 58મા ક્રમે રહેલી મહિલાની પસંદગી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાલિકાએ ભરતીમાં નિયમોની ઐસી કી તૈસી કરી છે. આમ તો વિકાસના કામ માટે સિંગલ ટેન્ડર આવે તો તંત્ર 2થી વધુ વખત રિટેન્ડર કરે છે, પણ પાલિકાના સિવિલ વિભાગમાં ના. કાર્યપાલક ઇજનેરની એક મહિલા બેઠક માટે એક જ મહિલા દાવેદારને બોલાવીને નિમણૂકપત્ર આપવાની ઉતાવળ દાખવી છે. નવાઇની વાત તો એ છે કે, મેરિટ યાદીમાં વિવાદિત મહિલાનો ક્રમાંક 58મો હતો અને તેમની આગળ 15 મહિલા ઉમેદવારે વધુ માર્ક્સ મેળવ્યા હોવા છતાં તેમની અવગણના કરાઈ હતી.
પાલિકામાં હાલમાં ભરતીની સિઝન ચાલે છે. પાલિકામાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેરની જગા માટે 2020-21માં જાહેરાત અપાઈ હતી. જેમાં 1 જનરલ કેટેગરી માટે, 1 મહિલા માટે બેઠક અનામત રખાઈ હતી. જે માટે પાલિકા દ્વારા અરજી મગાવાઈ હતી અને તેમની 5 ઓક્ટોબર, 2024ના રોજ લેખિત કસોટી લેવાઇ હતી.
આ પરીક્ષાના પરિણામમાં 114ની મેરિટ યાદી જાહેર કરાઈ હતી. જેમાં 25 મહિલા ઉમેદવારનો પણ સમાવેશ થતો હતો. જોકે અન્ય 15 મહિલા ઉમેદવારો અગ્ર ક્રમાંકે હોવા છતાં દસ્તાવેજોની ખરાઈ માટે પણ તેમને બોલાવ્યા ન હોવાથી વિવાદ થયો હતો. પાલિકાના કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતાં મહિલા ઉમેદવારે 17 ફેબ્રુઆરીએ પસંદગી સમિતિ સમક્ષ ઇન્ટર્વ્યૂ આપ્યો હતો. તે પછી 1 માર્ચે તેમને રોડ પ્રોજેક્ટ વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે નિમણૂક આપતો હુકમ પણ જારી કરી દેવાયો હતો. બીજી તરફ નાયબ કાર્યપાલક ઇજનેરની આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ) કેટેગરીમાંથી નિમણૂક પામેલા પુરુષ ઉમેદવારનો 62 ગુણ સાથે મેરિટ યાદીમાં સાતમાે નંબર હતો. તેમ છતાં પસંદગી સમિતિએ તેમની નિમણૂક કરતાં વિવાદ થયો હતો.
પાલિકામાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતાં મહિલા ઉમેદવારનો મેરિટમાં 49 માર્ક સાથે 58મો ક્રમ હતો. જ્યારે 15 મહિલા ઉમેદવારના 67, 63, 60, 56, 55, 53, 52, 51 અને 50 ગુણ હતા. છતાં આ મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી માટે પણ બોલાવ્યાં નહતાં.
ના.કાર્યપાલક ઇજનેરની મહિલા માટે અનામત જગા હતી. જેના માટે પાલિકામાં ફરજ બજાવતાં મહિલા ઉમેદવાર પૈકી જેમણે પરીક્ષા આપી છે, તેમાંથી એક જ મહિલા પાસ થયાં હતાં. > કેતન જોષી, ડેપ્યુટી મ્યુ. કમિશનર
ડે. કાર્યપાલક ઇજનેરની મહિલા માટે 1 અનામત બેઠક હતી, ત્યારે અનુભવ પ્રમાણપત્ર, ડિગ્રી સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજ ચકાસણી માટે પાલિકાના સત્તાધીશોએ 13 ઉમેદવારોને જાણ કરી હતી. જેમાં 1 જ મહિલા ઉમેદવાર હતાં. જ્યારે મેરિટમાં અગ્ર ક્રમાંકે રહેલાં અન્ય મહિલા ઉમેદવારોની અવગણના કરવમાં આવી હતી.