રિપોર્ટ@સુરત: પાણીકાપના મેસેજ મળતાં 25 હજાર લોકોને હાલાકી, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમુક વિસ્તારમાં લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ડિંડોલી જળ વિતરણ મથકની ઓવરહેડ ટાંકી ભરવા DI પાઇપને MSમાં રૂપાંતર કરવાનું આયોજન હાથ ધરાતાં ડિંડોલીમાં સપ્લાય સમયે જ પાણી પુરવઠો બંધ રખાયો હોવાના લોકોને મેસેજ કરાયા હતા, જેને પગલે અંદાજે 25 હજાર લોકો હાલાકીમાં મૂકાયા હતા.
માનસી રેસિડેન્સીના પ્રમુખ સુબલ શાહુએ જણાવ્યું હતું કે, ડિંડોલી જળ વિતરણ મથકથી સમગ્ર વિસ્તારમાં દૈનિક સાંજે 5.30 વાગ્યે પાણી પુરવઠો ફાળવવામાં આવે છે. જો કે, મંગળવારે સાંજે એક તરફ લોકો પાણી ભરવા હાઇડ્રોલિક મોટર ચાલુ કરીને પાણી મેળવવાની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા ત્યાં સાંજે 5.34 વાગ્યે ડિંડોલી જળ વિતરણ મથકના વહીવટી વિભાગ તરફથી ‘આજે તમારા વિસ્તારમાં સાંજનો પાણી સપ્લાય બંધ રહેશે’ તેવો મેસેજ મોબાઈલ પર મોકલીને જાણ કરવામાં આવી હતી. આ રીતે પાલિકાએ છેલ્લી ઘડીએ જાણ કરતાં લોકોએ પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા દોડધામ કરી હતી. તો ઘણા લોકોએ ઝોન પર ફોન કોલનો મારો ચલાવ્યો હતો.
માત્ર માનસી રેસિડેન્સીના જ 3500 મળી આશરે 25 હજારથી વધુ લોકોને પાણીકાપની અસર વર્તાઇ હતી. વિભાગે કહ્યું કે, આ કામગીરી મધ્યસ્થ હાઇડ્રોલિક વિભાગે શરૂ કરતાં પ્રક્રિયા ખોરંભે ચઢી હતી. કામગીરી પૂર્ણ થતાં રાત્રે 10 કલાક આસપાસ પુરવઠો રાબેતા મુજબ કરી દેવાયો હતો.