રિપોર્ટ@સુરત: ટ્રેન અડફેટે એક 45 વર્ષીય પરપ્રાંતિય મજૂરનું મોત, જાણો સમગ્ર દુર્ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. કામરેજના કોસમાડા ગામની સીમમાં ટ્રેન અડફેટે એક 45 વર્ષીય પરપ્રાંતિય મજૂરનું મોત થયું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકનું નામ રાજુ ચેનરામ કુમાવત છે, જે મૂળ મધ્યપ્રદેશના નિમાજ જિલ્લાના રેવાસદેવડા ગામના વતની હતા. તેઓ હાલ કામરેજના કોસમાડા ગામની સીમમાં ઉદભવ ડિઝાઈન નામની ફેબ્રિકેશન દુકાનની બહાર રહી મજૂરી કામ કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુ કુમાવત કોસમાડા ગામની સીમમાં ગુડ્સ ટ્રેનની લાઇનના પાટા પર આવી ગયા હતા. તે સમયે ત્યાંથી પુરપાટ પસાર થઈ રહેલી ટ્રેનની તેમને ટક્કર લાગી હતી.
આ અકસ્માતમાં રાજુ કુમાવતને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

