રિપોર્ટ@ગુજરાત: ગામના પાદરમાં એક સિંહ અડધી રાતે આંટાફેરા મારતો જોવા મળ્યો

હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
 
રિપોર્ટ@ગુજરાત: ગામના પાદરમાં એક સિંહ અડધી રાતે આંટાફેરા મારતો જોવા મળ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જૂનાગઢના ગિરનાર જંગલ નજીક આવેલા વિજાપુર ગામના પાદરમાં એક સિંહ અડધી રાતે આંટાફેરા મારતો હોવાનો વીડિયો સામે આવ્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. રાતના સમયે શિકારની શોધમાં સિંહો રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે. ગઈકાલે રાતના સમયે જ્યારે આ સિંહ વિજાપુર ગામના પાદરમાં આંટાફેરા મારી રહ્યો હતો, તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે પોતાના મોબાઈલમાં આ દૃશ્ય કેદ કર્યું હતું. સિંહ ગામના પાદરમાં બેખૌફ ચાલી રહ્યો હોવાનું સ્પષ્ટપણે વીડિયોમાં જોઈ શકાય છે.

2025ની સિંહ ગણતરી દરમિયાન ગિરનાર જંગલ વિસ્તારમાં 54થી વધુ સિંહોનો વસવાટ હોવાનું સામે આવ્યું હતું. આ પહેલા પણ અનેક વખત ભવનાથ ક્ષેત્રમાં સિંહો આંટાફેરા મારતા હોય તેવા વીડિયો વાઇરલ થયા છે. તાજેતરમાં નવરાત્રિના દિવસો દરમિયાન ભવનાથ જતા રસ્તા પર ગાયત્રી મંદિર સામે ત્રણ સિંહોએ એક પશુનો શિકાર કરી મિજબાની માણી હતી, જે વીડિયો પણ ખૂબ વાઇરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગિરનાર જંગલના સિંહોએ માનવ જિંદગીને નુકસાન પહોંચાડ્યું હોય તેવા કિસ્સાઓ બન્યા નથી.

વન વિભાગ દ્વારા પણ સિંહ રેવન્યુ કે રહેણાંક વિસ્તારમાં આવી ચડે તેની જાણ થતાં જ તાત્કાલિક તે સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સિંહને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવે છે, જેથી માનવ અને વન્યજીવ બંનેની સુરક્ષા જળવાઈ રહે.