રીપોર્ટ@અમદાવાદ: ભાજપના કાર્યકર્તાની હત્યા કરનાર આરોપી આખરે પોલીસની પકડમાં,જાણો વિગતે

27 જુલાઈએ પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો આરોપી
 
 રીપોર્ટ@અમદાવાદ: ભાજપના કાર્યકર્તાની હત્યા કરનાર આરોપી આખરે પોલીસની પકડમાં,જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાજપના કાર્યકર્તાની હત્યા કરનાર આરોપી આખરે પોલીસ પકડમાં આવી ગયો છે. આરોપી જુલાઈ મહિનાથી પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો અને વિવિધ ટેકનિકનો ઉપયોગ કરી પોલીસને ચકમો આપતો હતો. આખરે સાયબર ક્રાઈમે ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપી સુધી પહોંચવામાં સફળ રહી છે અને આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.

વર્ષ 2022 માં BJP ના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાની હત્યા કરી હતી. જેમાં મુખ્ય આરોપી તરીકે મોન્ટુ નામદાર હતો અને તે નડિયાદ જેલમાં બંધ હતો. આ ઉપરાંત આરોપી હત્યા કેસમાં ફરિયાદી બનેલા વ્યક્તિની હત્યાનું પણ ષડયંત્ર રચી રહ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.અગાઉ આ આરોપી વિરુદ્ધ જુગારના 15, હથિયાર 2 અને મારામારી સહિત ના અન્ય 6 ગુનાઓ નોંધાયા હતા. સાયબર ક્રાઇમ આરોપીની ધરપકડ કરીને નડિયાદ જેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત તેને ફરાર થવામાં મદદરૂપ થનાર અન્ય લોકોની પણ તપાસ શરૂ કરી છે.

સાયબર ક્રાઇમની કસ્ટડીમાં જોવા મળતો આરોપી મોન્ટુ નામદાર છે. જે હત્યાના ગુના માં વચગાળાના જામીન મેળવીને ફરાર થઇ ગયો હતો. સાયબર ક્રાઇમની ટીમની ટેક્નિકલ એનાલિસિસ અને ખાનગી બાતમી દ્વારા ઉદયપુર નાથદ્વારા હાઇવે પરથી ઝડપી લીધો. આ હાઇવે પર પોતાની ઇનોવા ગાડીમાં પકડાયો. આરોપી મોન્ટુ નામદર હાઇકોર્ટે દ્વારા 13 જુલાઈ થી 26 જુલાઈ સુધી 14 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. 27 જુલાઈના રોજ પરત નડિયાદ જેલ હાજર થવાનું હતું પરંતુ આરોપી જેલમાં હાજર નહિ થઈ પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હતો. પોલીસ તપાસમાં આરોપી આબુ, દિલ્હી, મેરઠ, દેહરાદૂન અને રાજસ્થાનમાં છુપાયો હતો. સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી.

આરોપી મોન્ટુ નામદાર પોલીસથી બચવા અવનવી ટેક્નિકના પ્રયાસ કર્યા હતા. જેમાં પોતે ઇનોવા ગાડી લઈને ફરાર થયો હતો ત્યારે ટોલટેક્સ પર અન્ય ગાડીઓના ફાસ્ટટ્રેકથી ટ્રોલના પૈસા ચૂકવતો હતો. જેથી તે કઈ ગાડી લઈને નાસી ગયો હોય તે ખબર ના પડે અને પોલીસ તેનું લોકેશન જાણી ના શકે. એટલું જ નહીં તે 2જીનો કીપેડ મોબાઈલ ઉપયોગ કરતો હતો અને સીમકાર્ડ 2 થી 3 દિવસ ઉપયોગ કરીને પછી તોડી નાખતો હતો. આરોપી પોતાના પરિવાર સાથે લેન્ડલાઈન પર જ વાત કરતો હતો. જેથી પોલીસ તેનું લોકેશન ટ્રેસ ના કરી શકે.