રિપોર્ટ@ગોંડલ: મોડી રાત્રે એક બંધ કારમાં અચાનક ભીષણ આગ લાગી, કારણ અકબંધ

આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી
 
રિપોર્ટ@ગોંડલ: મોડી રાત્રે એક બંધ કારમાં અચાનક ભીષણ આગ લાગી, કારણ અકબંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

એક બંધ કારમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાને પગલે સોસાયટીના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

ગોંડલ શહેરના કૈલાસબાગ શેરી નંબર 10 માં આવેલા એક ખુલ્લા પ્લોટમાં આ કાર પાર્ક કરેલી હતી. મોડી રાત્રિના સુમારે કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની ઊંચી જ્વાળાઓ જોઈને આસપાસના રહીશો જાગી ગયા હતા અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ તાત્કાલિક ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.

જોકે, ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.