રિપોર્ટ@વલસાડ: ઉમરગામની ખાનગી કંપનીમાં અચાનક વિકરાળ આગ લાગતા દોડધામ મચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉમરગામ તાલુકાના તુંબ ગામની કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી છે. આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ છે. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. 7 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાલ ચાલુ છે. કંપનીમાંથી તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે
તુંબ ગામની કંપનીમાં લાગેલી આગ જોતજોતામાં જ વિકરાળ બની હતી. જેથી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા હાલ ઉમટ્યા છે. આગ દુર્ઘટનામાં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. ઉમરગામ સહિત વલસાડ જિલ્લા અને આજુબાજુની ફાયરની ટીમોની મદદ લેવામાં આવી રહી છે.
આગ ક્યા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, આ આગમાં કંપનીમાં ભારે નુકસાન પહોંચ્યું છે. તપાસ બાદ નુકસાની અને આગનું સાચુ કારણ સામે આવશે.

