રિપોર્ટ@વડોદરા: 3.50 કરોડ ભરેલી કાર પકડ્યા બાદ 50 લાખનો તોડ કર્યો હોવાનો ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છાણી પોલીસના હેડ કોન્સ્ટેબલ અને એલઆડીએ રણોલી પાસેથી 3.50 કરોડ ભરેલી કાર પકડ્યા બાદ 50 લાખનો તોડ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. કાર પકડ્યા બાદ બંનેએ દાદાગીરી કરીને રૂપિયા પડાવ્યા હતા. આ વાત છાણી પીઆઈના ધ્યાને આવતાં તેમણે પોલીસ કર્મીઓને માર મારી તમામ રૂપિયા પરત કરાવ્યા હતા. આ બનાવ બાદ 2 પોલીસ કર્મીની હેડ ક્વાર્ટર બદલી કરાઈ હતી.
સૂત્રોએ કહ્યું હતું કે, છાણી પોલીસ સ્ટેશનની પીસીઆરના કર્મીઓએ 9 સપ્ટેમ્બરે રણોલી પાસે હાઇવે પર એક કાર પકડી હતી, જેમાંથી 3.50 કરોડ રોકડા મળ્યા હતા. જોકે આટલી મોટી સંખ્યામાં રોકડ જોઈ પીસીઆરના 2 કર્મીઓએ દાદાગીરી કરી 50 લાખ લઈ લીધા હતા. આ રોકડ આંગડિયા પેઢીની હતી.
રૂપિયા લખનઉથી રાજકોટ લઈ જવાતા હતા. બીજા દિવસે આંગડિયા પેઢીના સંચાલકો છાણી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં પોલીસ કર્મી ધ્યાને આવતાં તેમણે પીઆઈ આર.એલ.પ્રજાપતિને વાત કરી હતી. જેથી પીઆઈએ બંને પોલીસ કર્મીને બોલાવી તેમને માર માર્યો હતો. ત્યારબાદ 50 લાખ રોકડા આંગડિયા પેઢીના સંચાલકોને પરત અપાવ્યા હતા.
આ વાત ઉચ્ચ અધિકારી સુધી પહોંચતાં બંને પોલીસ કર્મીની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવાઈ હતી. જોકે મોટી સંખ્યામાં લઈ જવાતા રૂપિયા કોના હતા, કોના કહેવાથી 50 લાખ પરત કરાયા, કોઈ રાજકીય ક્ષેત્રે જોડાયેલા મોટા માથાના રૂપિયા હતા કે કેમ તે અંગે તપાસ થાય તો મોટા ખુલાસા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે ગુનો પણ નોંધાયો નહોતો.