રિપોર્ટ@અમદાવાદ: મકાનમાંથી 1231 વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો, જાણો વધુ વિગતે

પોલીસે હાલ કઠવાડા ગામમાં રહેતી મહિલા અને તેના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દારૂ સહિતની વસ્તુઓની હેરફેર થતી હોય છે ત્યારે પોલીસ કમિશનરની પીસીબીની ટીમે પૂર્વ વિસ્તારમાં નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. નિકોલ વિસ્તારમાં કઠવાડા નજીક આવેલા ટેબલી ગામમાં મકાનમાંથી 1231 વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. માતા અને પુત્રએ ભેગા મળી ગામના બંધ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને મૂકી રાખ્યો હતો અને અલગ અલગ વ્યક્તિઓને આપવાનો હતો. પોલીસે હાલ કઠવાડા ગામમાં રહેતી મહિલા અને તેના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પીસીબી સ્ક્વોડના પીઆઈ જે.પી.જાડેજાની ટીમને બાતમી મળી હતી કે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કઠવાડા નજીક આવેલા ટેબલી ગામમાં હનુમાનજી મંદિર નજીક એક બંધ મકાનમાં મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલો મૂકી રાખવામાં આવેલી છે. જેના આધારે પોલીસે બાતમીવાળા મકાનમાં દરોડો પાડયો હતો. મકાનમાં અનિતાબેન ચુનારા  નામની મહિલા હાજર મળી આવી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતા અલગ-અલગ પુઠાના બોક્સ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો અને બિયરનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે અલગ અલગ બોક્સના પૂઠા ખોલી અને ગણતરી કરતા 1231 દારૂ અને બિયરની બોટલો રૂ. 5.22 લાખની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મહિલાની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો તેના પુત્ર દિપક ઉર્ફે બાવો ચુનારાએ મંગાવ્યો છે અને દારૂનો જથ્થો દિપક તેના મિત્રો અને ખાનગી ગ્રાહકોને આપવાનો હતો હોવાનું જણાવ્યું હતું. પીસીબીની ટીમે અનિતાબેન અને તેના પુત્ર દિપક વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને દારૂનો જથ્થો કોને કોને આપવાનો હતો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.