રિપોર્ટ@અમદાવાદ: 17 વર્ષના સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, બેડ નીચેથી 3 પાનાની સુસાઇડ નોટ મળી

પિતા, દાદા, દાદી અને ફોઈ ત્રાસ આપતા હતા જેના કારણે કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે.અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં 17 વર્ષના સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સગીરના મોત બાદ બેડ નીચેથી 3 પાનાની અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેના પિતા, દાદા, દાદી અને ફોઈ ત્રાસ આપતા હતા જેના કારણે કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. રાણીપ પોલીસે સમગ્ર મામલે ચારેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રાણીપમાં રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમને સંતાનમાં 17 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરી છે. તેમનો 17 વર્ષનો દીકરો ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. પરિણીતાના લગ્ન વર્ષ 2008માં મુકેશ  સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતાનો પતિ મુકેશ રોજ દારૂ પીતો અને કામ ધંધેથી આવીને તેમની સાથે મારઝૂડ કરતો હતો. પરિણીતાના સાસુ, સસરા પણ દીકરાનું ઉપરાણું લેતા હતા. પરિણીતાએ દીકરાને જન્મ આપ્યો ત્યારબાદ તેમના નણંદ તેમને કહેતા હતા કે, તું અને તારો દીકરો મરી જાવ તો સારું. આમ સાસુ-સસરા, પતિ અને નણંદ અવારનવાર ત્રાસ આપતા હતા.

થોડા સમય અગાઉ પરિણીતા તેમના પિયરમાં બંને સંતાન સાથે રહેવા જતા રહ્યા હતા. ત્યાં પણ તેમનો પતિ મુકેશ રાજકોટ આવ્યો હતો અને પરિણીતાના પિતાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. સગીરનો ધોરણ 10નો અભ્યાસ પૂર્ણ થતા પરિણીતા તેમના પતિ સાથે રાણીપના એક એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા. પરિણીતાનો સગીર દીકરો સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.

પતિ મુકેશ દારૂ પીને આવી પરિણીતા અને તેમના દીકરાની સાથે મારઝૂડ કરતો હતો. દીકરાએ આ અંગે તેમના સાસુ, સસરા અને નણંદને ફોન કરીને તેના પિતાએ કરેલી મારઝૂડ અંગે જાણ કરી તો તેમને કહ્યું હતું કે, તું અને તારી મા મરી જાવ તો શાંતિ થાય. જેને કારણે પરિણીતાનો સગીર વયનો દીકરો ટેન્શનમાં રહેતો હતો. એક દિવસ સગીરના પિતા મુકેશ તેની સ્કૂલ આગળ ચપ્પુ લઈને મારવા પણ ગયા હતા. જેના કારણે સગીર ડરી પણ ગયો હતો.

9 માર્ચના રોજ પરિણીતા તેમના બહેનના ઘરે નરોડા ખાતે રહેવા ગઈ હતી. દરમિયાન તેમનો દીકરો ટ્યુશન ક્લાસ ચાલુ હોવાથી રાતે એકલો રાણીપ ખાતે રોકાયો હતો. 10 માર્ચના રોજ સગીરે તેની માતાને ફોન કરીને કહ્યું હતું કે, તેણે રાત્રે મોડા સુધી અભ્યાસ કર્યો છે જેથી તે અત્યારે સુઈ જાય છે. જે બાદ બપોરના સમયે પરિણીતાએ સગીરને ફોન કર્યો તો ફોન ઉપાડ્યો ન હતો. તેથી પરિણીતા પડોશીઓને જાણ કરી હતી.

પાડોશીઓએ પરિણીતાના ઘરનો દરવાજો ખખડાવ્યો, પરંતુ સગીરે ખોલ્યો ન હતો તેથી પાડોશીઓએ રૂમના કાચની સ્લાઇડરની બારી ખોલીને જોતા સગીરે ગળાફાંસો ખાધેલો હતો. પરિણીતા અને તેમના પરિવારના સભ્યો રાણીપ પહોંચ્યા ત્યારે સગીર મૃત હાલતમાં હતો. જે બાદ સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

સગીરના મોત બાદ તેના બેડના નીચેથી એક સુસાઇડ નોટ મળી હતી. આ ત્રણ પાનાની સુસાઇડ નોટમાં અંગ્રેજીમાં સગીરે તેના મરવાનું કારણ તેના પિતા, દાદા, દાદી અને ફોઈના માનસિક ત્રાસનું હોવાનું લખ્યું હતું. રાણીપ પોલીસે સમગ્ર મામલે સગીરાના પિતા, દાદા, દાદી અને ફોઈ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાણીપ PI કેતન વ્યાસે જણાવ્યું હતું કે, સગીરની સુસાઈડ નોટ FSLમાં મોકલવામાં આવી છે. હાલ આરોપીની તપાસ ચાલી રહી છે.