રિપોર્ટ@અમદાવાદ: નારોલ-નરોડા હાઈવે પર ટ્રાફિકના કારણે 2 લાખ વાહનચાલકો પરેશાન, જાણો વધુ

આડેધડ દબાણો અને ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસની ગેરહાજરીના કારણે દરરોજ ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે. 
 
રિપોર્ટ@અમદાવાદ: નારોલ-નરોડા હાઈવે પર ટ્રાફિકના કારણે 2 લાખ વાહનચાલકો પરેશાન, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા ખુબજ વધી ગઈ છે. અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા નારોલ-નરોડા હાઈવે પર સર્વિસ રોડ પર થયેલા આડેધડ દબાણો અને ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસની ગેરહાજરીના કારણે દરરોજ ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે  ગ્રાઉન્ડ રિપોર્ટ કરી આ વિસ્તારની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરતા રસ્તા પર ઠેર ઠેર દબાણો જોવા મળ્યા હતા. જ્યારે આ દબાણો દૂર કરવા માટે અને ટ્રાફિક નિયંત્રણ માટે AMC અને પોલીસનો સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો.

શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એવા રોજના બે લાખથી વધારે વાહનો પસાર થતા હોય એવા નારોલ- નરોડા હાઇવે ઉપર કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોવા મળ્યું હતું કે, નારોલથી લઈને સીટીએમ ચાર રસ્તા સુધી રોડની બંને તરફ આવેલા સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર રીતે લારીઓના દબાણ શાકમાર્કેટ અને અન્ય પાથરણા વાળાઓ જોવા મળ્યા હતા. કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય કે દુકાનો હોય તેના વાહનો સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલા હતા. સીટીએમ એક્સપ્રેસવે પાસે દિવસ દરમિયાન પણ લક્ઝરી બસો જોવા મળી હતી. સીટીએમ પોલીસ ચોકી પાસે ટ્રાફિકનો નિયમ પાલન કરનાર લોકોને પકડવા પોલીસ ઉભી રહી ગઈ હતી પરંતુ મોટાભાગના ચાર રસ્તા, ટ્રાફિક હતો અને બ્રિજ પાસે બસ સ્ટેન્ડ નજીક લક્ઝરી બસો અને ખાનગી ગાડીઓ વાળા ઊભા રહે છે ત્યાં ટ્રાફિક પોલીસ ગેરહાજર જોવા મળી હતી.

સૌપ્રથમ નરોડા પાટિયા ચાર રસ્તા પાસે જ ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા જોવા મળી હતી ઠેર ઠેર રીક્ષાચાલકો ગમે તેમ ઊભા રહી ગયા હતા અને લક્ઝરી બસ ચાલક પણ દિવસ દરમિયાન ત્યાંથી પસાર કરી પેસેન્જર ભરવા માટે ઉભા રહી ગયા હતા ત્યાંથી કૃષ્ણનગર તરફ આગળ જતા સર્વિસ રોડની બંને બાજુ લારીઓનું દબાણ જોવા મળ્યું હતું. શાક માર્કેટ સર્વિસ રોડ ઉપર જ ભરાતી હોય તેની લારીઓ જોવા મળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરેલા ખોદકામના કારણે સર્વિસ રોડ યોગ્ય જોવા મળ્યો નહોતો. કૃષ્ણનગરથી હીરાવાડી તરફ જવાના રોડ સુધી બંને તરફ સર્વિસ રોડ પર વાહનો પાર્ક કરેલા હતા અને ક્યાંક લારીઓનું દબાણ હતું.

બાપુનગર લીલા નગર બ્રિજ ઉતરતાની સાથે જ સર્વિસ રોડ ઉપર કપડાના વેચાણના પાથરણાઓ અને વાહનોથી રોડ ભરેલો જોવા મળ્યો હતો જ્યારે ઠક્કરબાપા નગર ચાર રસ્તા ઉપર પણ વાહનોનું પાર્કિંગ અને લારીઓનું દબાણ જોવા મળ્યું હતું ઠક્કરબાપા નગર બ્રિજથી વિરાટનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોનની ઓફિસ તરફ થઈને રબારી કોલોની ચાર રસ્તા પાસે પણ સર્વિસ રોડ ઉપર પાર્કિંગ અને દબાણ જોવા મળ્યું હતું.

રબારી કોલોનીથી સીટીએમ તરફ જતા વન્ડર પોઇન્ટ ચાર રસ્તા ઉપર ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી કોઈપણ ટ્રાફિક પોલીસ કર્મચારી રબારી કોલોની કે વન્ડર પોઇન્ટ ચાર રસ્તા ઉપર જોવા મળ્યો નહોતો ત્યાં બપોરના સમયે સ્કૂલ છૂટવાનો સમય અને લોકોની અવરજવર ખૂબ જ હતી જેના કારણે થઈ અને ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો રોજના ત્યાંથી અનેક વાહન ચાલકો પસાર થાય છે છતાં પણ ટ્રાફિક પોલીસ ત્યાં હાજર નહોતી. 112 નંબરની પોલીસની ગાડી પણ ત્યાં હતી અને પોલીસ પોતે ગાડી લઈને નીકળ્યા તે છતાં પણ તેમણે ટ્રાફિક દૂર કરાવ્યો નહીં અને સ્થાનિક લોકોએ ત્યાંથી ટ્રાફિક દૂર કરવો પડ્યો હતો.

બીજી તરફ દિવસ દરમિયાન લક્ઝરી બસોને પ્રવેશ ન હોવા છતાં પણ સીટીએમ વન્ડર પોઇન્ટ ચાર રસ્તા પાસે લક્ઝરી બસ એક પસાર થઈ હતી. એક બાઈક ચાલક બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે લક્ઝરી બસના ચાલકે તેને ટક્કર મારી હતી જેથી તે પડી ગયો હતો.જોકે સદનસીબે સહેજ માટે બચી ગયો હતો. લક્ઝરી બસના ચાલક સાથે ઝઘડો પણ કર્યો હતો. સીટીએમ ઓવરબ્રિજ પાસે ટ્રાફિક પોલીસ ચોકી આવી છે એની આગળના ભાગે ટીઆરપી જવાન અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓ વાહન ચાલકને પકડવા માટે ઉભા રહી ગયા હતા જોકે તેનાથી 50 મીટર આગળ જ બ્રિજની નીચેના ભાગે ટ્રાફિક જોવા મળ્યો હતો ત્યાં ટ્રાફિકમાં લોકો ફસાયા હતા પરંતુ આ પોલીસ કર્મચારીઓ લોકોને પકડીને દંડ આપવામાં વ્યસ્ત રહ્યા હતા પરંતુ ટ્રાફિક દૂર કરાવ્યો ન હતો.

સીટીએમ ઓવર બ્રિજથી આગળ એક્સપ્રેસ- વેથી દક્ષિણ ગુજરાત તરફ જવા માટે એસટી બસ સ્ટેન્ડ આવેલું છે જે એસટી બસ સ્ટેન્ડ પાસે મોટી સંખ્યામાં મુસાફરો ઉભા હતા. એક્સપ્રેસવે ચાર રસ્તા પહેલા એસ.ટી બસ સ્ટેન્ડ પર લક્ઝરી બસો જોવા મળી હતી દિવસ દરમિયાન લક્ઝરી બસોને શહેરમાં પ્રવેશ નથી છતાં પણ શહેરમાંથી પ્રવેશ કરી લક્ઝરી બસો સીટીએમ ખાતે આવતી હોય છે ત્યાં કોઈપણ ટ્રાફિક પોલીસ હાજર જોવા મળ્યો નહોતો માત્ર લક્ઝરી બસો જ નહીં પરંતુ ખાનગી ગાડીઓ વાળા પણ હાજર હોય છે જેના કારણે થઈને ટ્રાફિક સમસ્યા થાય છે. સીટીએમ એક્સપ્રેસ વે ચાર રસ્તા પાસે લક્ઝરી બસોના કારણે પણ ટ્રાફિક થતી હોવાની અવારનવાર ફરિયાદો સામે આવી છે પરંતુ ટ્રાફિક પોલીસને ત્યાં ટ્રાફિક દૂર કરવામાં રસ નથી.

સીટીએમ એક્સપ્રેસ વે પાસે લારીઓના દબાણ અને ગેરકાયદેસર રીતે રોડ ઉપર પાર્કિંગ કરેલું હોય છે જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવાની હોય છે પરંતુ મ્યુનિસિપલ કમિશનર દ્વારા 15 દિવસ પહેલા જે રીતે દિવસ રાત ટ્રાફિકની સમસ્યાને લઈને ડ્રાઇવ ચલાવવામાં આવી હતી અને કામગીરી કરવામાં આવી હતી તે હવે ક્યાંય પણ જોવા મળી નથી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર અને પૂર્વ ઝોનની એસ્ટેટ વિભાગની દબાણની ગાડીઓ કે ટ્રાફિક પોલીસ જોવા ન મળતા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવામાં તંત્રને રસ નથી માત્ર લોકોને પકડીને દંડ કરવા અને હપ્તા લેવામાં રસ છે.

નારોલ- નરોડા હાઇવે પર નરોડાથી સીટીએમ એક્સપ્રેસવે સુધી ખૂબ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે બંને તરફના સર્વિસ રોડ ખુલ્લા હોવા જોઈએ અને લારીઓ તેમજ ગેરકાયદેસર દબાણો ન હોવા જોઈએ છતાં પણ આવા દબાણો જોવા મળી રહ્યા છે. સીટીએમ એક્સપ્રેસવે પાસે એસટી બસ સ્ટેન્ડ પર એસટી બસ સિવાય લક્ઝરી બસો અને ખાનગી ગાડીઓ દ્વારા પેસેન્જરો ભરવામાં આવતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ક્રિય કામગીરી જોવા મળી રહી છે. લક્ઝરી બસોના દિવસ દરમિયાન પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પણ શા માટે સીટીએમ ખાતે લક્ઝરી બસો દિવસ દરમિયાન જી, એચ અને આઈ ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ લક્ઝરી બસો દિવસ દરમિયાન નરોડાથી લઈ નારોલ રોડ ઉપર જોવા મળે છે.

ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ સાથેની વાતમાં જણાવ્યું હતું કે નારોલ - નરોડા હાઇવે ઉપર અમારા ઝોનમાં જેટલો વિસ્તાર આવે છે તેમાં અમે ડ્રાઈવ કરતા હોઈએ છીએ અને રેગ્યુલર કામગીરી થતી હોય છે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી અને કામગીરી કરીએ છીએ. જો ટ્રાફિક પોલીસ સાથે નથી આવતી તો કોર્પોરેશનની ટીમ દ્વારા રોડ પરથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે જ છે. જ્યારે પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ અઠવાડિયામાં ડ્રાઇવ કરે છે. સીટીએમ પાસે ટ્રાફિકની સમસ્યા રહે છે. જેના માટે દબાણની ગાડી હાજર હોય છે. લક્ઝરી બસોનું વધારે પ્રમાણમાં ન્યુસન્સ છે. આગામી દિવસોમાં ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓ સાથે આ વિસ્તારમાં રાઉન્ડ લઈ ટ્રાફિકની સમસ્યા દૂર કરાશે.