રિપોર્ટ@અમદાવાદ: રેલવેની અડફેટે 2 વ્યક્તિનાઓ મોત નીપજ્યા, બંને વ્યક્તિનું અકસ્માતે મોત કે પછી આત્મહત્યા?

 આ મામલે વાડજ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદમાંથી અકસ્માતની હદય કંપાવી ઊઠે એવી ઘટના સામે આવી છે.અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં એક જ રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે બે વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે. જેમાં એક મૃતકની ઓળખ થઈ નથી જ્યારે બીજો મૃતક અખબારનગર વિસ્તારમાં રહેતા આધેડ હોવાનું સામે આવ્યું છે. આ મામલે વાડજ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ શહેરના અખબારનગર અંડરપાસ નજીક નારણપુરા આદર્શ પોલીસ ચોકી આવેલી છે. જ્યાંથી એક રેલવે ટ્રેક પસાર થઈ રહ્યો છે. આ રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે બે વ્યક્તિઓના મોત થયા છે. જેમાં ગઈકાલ રાત્રે એટલે કે, 3 માર્ચના રોજ રાત્રે એક વ્યક્તિ રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ટ્રેન અડફેટે તેનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટના અંગે સ્થાનિકોને જાણ થતા જ તેમણે તાત્કાલિક વાડજ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ વાડજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યારે આજે 4 માર્ચના રોજ સવારના સમયે ફરી અખબારનગર વિસ્તારમાં આવેલા સ્વાતંત્ર્ય સેનાની નગરમાં રહેતા 50 વર્ષીય આધેડ જ્યારે રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટ્રેન અડફેટે તેમનું પણ મોત નીપજ્યું છે.

જોકે, આ અંગે જાણ કરવામાં આવતા વાડજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. બંને ઘટનામાં વાડજ પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધી તપાસ કરવામાં આવી રહી છે. જોકે, ટ્રેન પસાર થતી હતી ત્યારે અકસ્માતે મોત થયું છે કે, પછી આત્મહત્યા કરી છે. આ બંને મામલે હાલ પોલીસ દ્વારા વધુ તાપસ કરવામાં આવી રહી છે.