રિપોર્ટ@અમદાવાદ: થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવની 6 હોટેલને સીલ કરાઈ, જાણો સમગ્ર મામલો

નોટિસની 7 દિવસની સમય મર્યાદા પૂર્ણ થતાં 6 હોટેલ સીલ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને બિલ્ડીંગોમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ફાયરના નિયમોનું પાલન ન થતા નોટિસ આપવામાં આવી હતી. 7 દિવસમાં ફાયરના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવા અંગેની નોટિસની સમય મર્યાદા પૂર્ણ થઈ જતા ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવની 6 હોટલોને સીલ કરવામાં આવી છે.

અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર એસ. બી. જાડેજાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં હોટેલમાં લાગેલી આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ અને ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં હોટેલ, રેસ્ટોરન્ટ, કિચન અને ગેસ્ટ રૂમ ધરાવતા બિલ્ડિંગોમાં ફાયર જોખમ નિવારણ, જીવન સુરક્ષા, કાયદાકીય પાલન, વિજિલન્સ ચેકિંગ અને અમલવારી  અંતર્ગત ચેકિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કેટલીક હોટલોમાં ફાયર સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત નહોતી, રસોડામાં ફાયર સસ્પેન્શન સિસ્ટમનો અભાવ હતો. LPG ગેસ પાઇપલાઇન લીકેજ હતી.

અલગ અલગ હોટલોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા ફાયર સિસ્ટમમાં ખામીથી લઈને બિલ્ડીંગમાં રહેલી ખામીઓ અંગે નોટિસ આપવામાં આવી હતી. 7 દિવસની સમય મર્યાદા સાથેની નોટિસ આપવામાં આવી હતી, જેમાં ખામીઓ દૂર કરવા અંગે જણાવ્યું હતું. જોકે કેટલીક હોટેલો દ્વારા નોટિસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા થલતેજ, બોડકદેવ વિસ્તારની 6 જેટલી હોટેલોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.