રિપોર્ટ@અમદાવાદ: પાણીના ટેન્કરે 7 વર્ષની માસૂમ બાળકીનો ભોગ લીધો, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાંથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે.અમદાવાદ શહેરના વાડજ વિસ્તારના પાણીના ટેન્કરે 7 વર્ષની માસૂમ બાળકીનો ભોગ લીધો છે. પાણીનું ટેન્કર રિવર્સ આવી રહ્યું હતું ત્યારે રમી રહેલી એક બાળકીના માથા પર ચઢી ગયું હતું, જેના કારણે બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જે મામલે બી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જૂના વાડજમાં રહેતા સંજય સોલંકી છૂટક મજૂરી કરે છે. સંજયભાઈને બે દીકરીઓ છે, જેમાં એક 7 વર્ષની અને એક 6 વર્ષની છે. સંજયભાઈની દીકરી સવારના સમયે જૂના વાડજ BRTS બસ સ્ટેશન પાસે જાહેર રોડ પર રમતી હતી. ત્યારે પાણીના ટેન્કરનો ચાલક રિવર્સ ચલાવી રહ્યો હતો. ટેન્કરચાલકે પૂરઝડપે ટેન્કર રિવર્સમાં આવવા દેતા રમતી બે દીકરીઓને અથડાયું હતું.
આ દરમિયાન 7 વર્ષની બાળકીના માથા પરથી ટેન્કર ફરી વળતા માથું છુંદાઈ ગયું હતું. બાળકીનું ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતા આસપાસના સ્થાનિકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

