રિપોર્ટ@અમદાવાદ: વસ્ત્રાપુર અને ગોતામાં ધમધમતા PG ઉપર AMCની તરાપ, જાણો વધુ વિગતે

પ્રેમચંદ નગરમાં અને ગોતામાં આનંદવિહાર સોસાયટીમાં ચાલતા કુલ 65 જેટલા પીજીને સીલ કરવામાં આવ્યા છે.
 
રિપોર્ટ@અમદાવાદ: વસ્ત્રાપુર અને ગોતામાં ધમધમતા PG ઉપર AMCની તરાપ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદના બોડકદેવ, વસ્ત્રાપુર અને ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં ગેરકાયેદ ચાલતા PGને AMC દ્વારા નોટિસ આપ્યા બાદ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. 19 ફેબ્રુઆરીના રોજ AMCના એસ્ટેટ વિભાગ દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા પ્રેમચંદ નગરમાં અને ગોતામાં આનંદવિહાર સોસાયટીમાં ચાલતા કુલ 65 જેટલા પીજીને સીલ કરવામાં આવ્યા છે.

ખાસ કરીને વસ્ત્રાપુરના પ્રેમચંદ નગરમાં 33 જેટલા મકાનોમાં પીજી ચાલે છે જેમાં સોસાયટીની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી આપવામાં આવી નથી. તેમજ ફાયર NOC પણ રાખવામાં આવી નથી. જેથી કરીને આ મકાનો સીલ કરી દેવામાં આવ્યા છે.

આ મામલે PG સંચાલકો અને યુવક-યુવતીઓ એસજી હાઈવે પર અતિથિ હોટલ પાસે ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણા કરશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જે મકાનોમાં પીજી ચાલે છે તેને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જો તેમની પાસે પીજી ચલાવવા માટેના પુરાવા હોય તો તે રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક સંચાલકોએ BU પરમિશન અને ફાયર NOC સહિતના વિવિધ મુદ્દે કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કર્યા નહોતા.

એસ્ટેટ વિભાગ દ્વારા નિયમ મુજબ પ્રેમચંદ નગર સહિત અલગ અલગ વિસ્તારોના પીજીને સીલ કરવામાં આવ્યા છે. સોસાયટીમાં રહેતા નાગરિકો દ્વારા પીજી ચલાવવા મુદ્દે વિરોધ કરવામાં આવતો હોય છે જેથી પીજી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગથી પોલિસી તૈયાર કરવામાં આવી છે.

શહેરના વસ્ત્રાપુર, ઘાટલોડિયા, બોડકદેવ, બોપલ, ઘુમા, ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા, એસજી હાઇવે અને એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં અનેક સોસાયટી અને ફ્લેટમાં પીજી ચલાવવામાં આવે છે, પરંતુ પીજી સંચાલકો દ્વારા કોર્પોરેશનની પોલિસી મુજબ કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી જેના કારણે હવે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

જોકે, એસ્ટેટ વિભાગે અચાનક જ સીલ કરી દેતા સામાન સહિતની ચીજ વસ્તુઓ મકાનમાં રહી ગઈ હતી. શહેરમાં અનેક યુવક અને યુવતીઓ જેઓ નોકરી કરે છે તેમને પીજીમાં રહેવું પડે છે અને આવા મકાનને સીલ કરવામાં આવતા તેઓ હવે રોડ ઉપર આવી ગયા છે.

આ બાબતે પીજી સંચાલકો AMCની મુખ્ય આફિસ દાણાપીઠ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, બજેટ બેઠકના કારણે ભાજપના સત્તાધીશો, મ્યુ. કમિશનર કે વિપક્ષના નેતા મળી શક્યા નહોતા અને તેઓ રજૂઆત કરી શક્યા નહોતા. પીજી સંચાલકો દ્વારા ચોક્કસ નિયમો ઘડવા માટેની માગ કરવામાં આવી છે.