રિપોર્ટ@અમદાવાદ: CNG વાહન ચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો, જાણો વધુ વિગતે
નવો ભાવ પ્રતિ કિલો 98.47 રૂપિયા પહોંચ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિવાળીના તહેવાર પહેલાં જ અમદાવાદમાં CNG વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી CNGના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ કિલો 4.45 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન લોકો ખરીદી અને મુસાફરીનું આયોજન કરી રહ્યા છે, ત્યારે આ ભાવ વધારાથી CNG આધારિત વાહનચાલકોને તેની અસર થવાની છે. રોજિંદી કમાણીમાંથી ગેસનો ખર્ચ કાઢતા રિક્ષાચાલકો માટે આ ભાવવધારો આર્થિક બોજ વધારનારો બનશે અને દિવાળી દરમિયાન બજેટ પણ ખોરવાઈ શકે છે.
છેલ્લે ઓગસ્ટ 2026માં પણ એક સાથે ચાર રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે પ્રતિ કિલો અદાણી CNGનો ભાવ 94.2 રૂપિયાનો હતો, જો કે ફરી એક વાર 4.45 રુપિયાનો વધારો કરવામાં આવતા હાલ નવો ભાવ 98.47 રૂપિયા પર પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિવને આ ભાવ વધારાનો વિરોધ કર્યો છે. રિક્ષા ચાલકે કહ્યું કે, એક જ દિવસમાં આટલો ભાવ વધારો કરવો એ ખૂબ મોટી વાત છે. દિવાળીમાં ફટાકડા, મીઠાઈ, કપડા ક્યાંથી લાવી શકીએ. પહેલા થોડા મીઠાઈ અને ફટાકડા ખરીદી શકતા હતા તે પણ હવે નહીં ખરીદી શકીએ.
રિક્ષા ચાલક છનાભાઈ નાયકે જણાવ્યું હતું કે, CNGના ભાવમાં એટલો વધારો કરવામાં આવ્યો છે કે ખાવાના પૈસા પણ નથી બચતા. અદાણી પણ સરકારને પૂછ્યા વગર સીધો જ ભાવ વધારો કરી દે છે. દિવાળીમાં પરિવાર ફટાકડા અને મીઠાઈ માંગશે તો ક્યાંથી લાવી આપીશું ? કેમ કે દરરોજ 200થી 300 રૂપિયા કમાઈએ છીએ.
રિક્ષા ચાલક જયંતીભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, છાશવારે CNGના ભાવમાં વધારો કરવામાં આવે છે. મન ફાવે ત્યારે અદાણી દ્વારા ભાડામાં વધારો કરવામાં આવે છે. જેથી હવે ઘર ચલાવવું પણ અઘરું થઈ ગયું છે. દિવાળીમાં કપડા, ફટાકડા અને મીઠાઈ લેવા માટે કે બહાર ફરવા જવા માટે પણ ભીખ માંગવી પડે તેવી સ્થિતિ છે. ભાડામાં ઘટાડો કરવામાં આવે તે માટે સરકાર પાસે અમે વિનંતી કરીએ છીએ. જો ભાડામાં વધારો કરીએ તો મુસાફર બેસવા માટે પણ તૈયાર નથી. જેથી ભાડામાં વધારો કરવાની જગ્યાએ ભાવ ઘટાડવામાં આવે.
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, અદાણી CNGના ભાવ વધારાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. રિક્ષા ચાલકો રોજ કમાઈને રોજ ખાતા હોય છે જેથી ભાવ વધારાના કારણે તેમને સીધી અસર થતી હોય છે. 100 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો છે એવું સમજી શકાય. કારણ કે છૂટક રૂપિયા તો ફીડર દ્વારા પરત આપવામાં આવતા નથી. બીજી તરફ દરેક વસ્તુઓમાં ભાવ વધારો પણ થઈ ગયો છે. અમારે ભાડામાં વધારો જોઈતો નથી અમારી માંગણી છે કે CNGના ભાડામાં ઘટાડો કરવામાં આવે.
અગાઉ પણ અદાણી દ્વારા CNGના ભાવમાં વધારો થતાં અમદાવાદમાં રિક્ષાચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ગેસના ભાવમાં સતત વધારો થતો હોવા છતાં રિક્ષાના ભાડામાં તે પ્રમાણે વધારો થતો નથી, તેવી રજૂઆતો રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વાહન વ્યવહાર કમિશનર સાથે બેઠક કર્યા બાદ ભાડામાં વધારો કરવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ તે સમયે પણ રિક્ષા ચાલકોને જોઈએ તેટલો ભાડામાં વધારો મંજૂર કરવામાં આવ્યો ન હતો. તેમજ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પણ ભાડામાં કોઈ વધારો કરવામાં ન આવતા બંધ પાળી વિરોધ કર્યો હતો. પરંતુ તેમ છતાં રિક્ષા ચાલકોની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા અત્યારે ભારત ટેક્સી સિવાય તમામ ઓનલાઇન એપ્લિકેશનનો બહિષ્કાર કરી રિક્ષા ચાલકો સવારી ભરી રહ્યા હતા.
અદાણી ટોટલ ગેસે આ વર્ષના બીજી ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીને 173 કરોડ રૂપિયાનો નફો થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીને 163 કરોડ રૂપિયાનો નફો થયો હતો, એટલે કે આ વખતે નફામાં આશરે 5.9%નો વધારો થયો છે. કંપનીની આવક પણ 34% વધીને 2109 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીની આવક 1,576 કરોડ રૂપિયા રહી હતી. CNG અને ઘરોમાં રસોઈ માટે વપરાતા PNGની માગ વધવાને કારણે કંપનીની કમાણીમાં આ તેજી જોવા મળી છે.

