રિપોર્ટ@અમદાવાદ: રીડેવલપમેન્ટ માટે બિલ્ડર પાસે ખંડણી માંગી, 5 સામે ફરિયાદ, જાણો સમગ્ર મામલો

બિલ્ડરની કંપનીનો લેટરપેડ બનાવી બિલ્ડરની સહી કરીને કામને અસર થાય તે રીતે વાઇરલ કર્યો હતો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચાંદખેડામાં રહેતા બિલ્ડરે અલગ અલગ સોસાયટીના રી-ડેવલોપમેન્ટના કામ માટે MOU કર્યા હતા. આ MOU કર્યા બાદ કેટલાક લોકોએ બિલ્ડર પાસેથી ખંડણી વસૂલી હતી અને બીજી રકમ પણ માંગી હતી. જોકે બિલ્ડરે બીજી રકમ ન આપતા પાંચ શખ્સોએ ભેગા મળીને બિલ્ડરની કંપનીનો લેટરપેડ બનાવી બિલ્ડરની સહી કરીને કામને અસર થાય તે રીતે વાઇરલ કર્યો હતો જે અંગે બિલ્ડરે ફરિયાદ નોંધાવી છે.

ચાંદખેડામાં રહેતા તેજસ પટેલ શિવાલય ઇન્ફ્રાબિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. તેજસભાઇએ સુભાષબ્રિજ પાસે આવેલી મહેશ્વરી સોસાયટી, મહાપ્રકાશ સોસાયટી અને મનમોહન સોસાયટીના રીડેવલપમેન્ટ માટે MOU કર્યા હતા. 29 જુલાઈએ તેજસભાઈના ઘરે સંજય પટેલ, ભરત પ્રજાપતિ, રમેશ મોદી અને જે.ડી શેખ આવ્યા હતા. જેમણે રીડેવલપમેન્ટનું કામ રોકવાની ધમકી આપીને 15 લાખની માંગણી કરી હતી. જેથી તેજસભાઇએ 15 લાખ રૂપિયા આપ્યા હતા.

બે મહિના બાદ ફરીથી 50 લાખ રૂપિયા માંગ્યા હતા જેની સામે 36 લાખનો ચેક આપ્યો હતો. ચેક આપ્યા બાદ હેરાનગતિ બંધ કરી દીધી હતી. ત્યારબાદ સંજય પટેલે ટુકડે ટુકડે 7 લાખ રૂપિયા લીધા હતા. સંજયે બીજા 50 લાખ માંગતા તેજસભાઇએ આપવાની ના પાડતા સંજયે સોસાયટીમાં આવતો નહીં, નહીં તો બહારથી માણસો બોલાવી જાનથી મારી નાખી ગાયબ કરી દેવાની ધમકી આપી હતી. જે બાદ ત્રણેય સોસાયટીના MOU રદ કરાવી નુકસાન કર્યું હતું.

30 જુલાઈના રોજ તેજસભાઈ ઘરે હતા, ત્યારે અશોક તેજવાની નામના વ્યક્તિએ તેમને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો અને તેમની કંપનીના લેટરપેડ પર તેમની સહી કરેલો લેટર મોકલ્યો હતો. જે જોતા આ લેટરપેડ અને તેમની સહી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. આ લેટરપેડ આખી સોસાયટીના ગ્રુપમાં ફરતા હોવાની પણ તમને જાણ થઈ હતી. તેમણે તપાસ કરતા આ લેટરપેડ સંજય પટેલ, ભરત પ્રજાપતિ, રમેશ મોદી, જે.ડી શેખ અને કૈલાસ શાહે ભેગા મળીને બનાવ્યો હોવાની જાણ થઈ હતી. જેથી તેજસભાઈએ પાંચેય વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.