રિપોર્ટ@અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તારમાં કરોડોના વિકાસ કામોની ભેટ, જાણો વધુ વિગતે
હાઈટેક સબ ઝોનલ ઓફિસ અને શહેરની સૌથી મોટી પાણીની ટાંકીનું લોકાર્પણ,
Mar 8, 2026, 12:45 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રવિવારે પોતાના મત વિસ્તારમાં કરોડોના વિકાસ કામોની ભેટ ધરી છે. SG હાઈવે પર ગુરુદ્વારા પાસે પશ્ચિમ વિસ્તારના રહીશોની સુવિધા માટે સબ ઝોનલ ઓફિસનું લોકાર્પણ કરવાની સાથે ઘાટલોડિયામાં રૂ. 5.31 કરોડના ખર્ચે નવનિર્મિત શહેરની સૌથી મોટી 2.50 કરોડ લિટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી જનતા માટે ખુલ્લી મૂકી છે.
આ પ્રોજેક્ટથી ઘાટલોડિયા અને આસપાસના 1.25 લાખથી વધુ નાગરિકોને હવે પૂરતા પ્રેશરથી પીવાનું શુદ્ધ પાણી મળશે. લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ સ્થાનિક રહીશો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછતા કાર્યકરો અને જનતામાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બોડકદેવ વોર્ડના કોર્પોરેટર દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, નાગરિકોને કોર્પોરેશનને લગતી સેવાઓનો વધુ સારી રીતે લાભ મળે અને તેમને નજીકમાં ઝોનલ ઓફિસ મળી રહે તેના માટે એસજી હાઇવે ગુરુદ્વારા ખાતે નવી સબ ઝોનલ ઓફિસ બનાવવામાં આવી છે. જેનું નામાભિધાન સ્વ બંસીભાઈ પ્રાણલાલ પટેલ રાખવામાં આવ્યું છે.
ડેપ્યુટી મેયર અને ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલ તેમજ વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરીયાએ જણાવ્યું હતું કે, ઉતર-પશ્ચિમ ઝોનનાં ઘાટલોડીયા વોર્ડમાં આવેલી ગામતળ ટાંકી જર્જરિત થઈ ગયેલી હોવાથી અને લક્ષ્મણગઢ ટેકરા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાંથી આપવામાં આવતો સ્ટેગર્ડ સપ્લાય બંધ કરવા નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવું જરૂરી હતું. ઘાટલોડીયા વોર્ડમાં ટી.પી.-2 વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે કોઈ પ્લોટ ઉપલબ્ધ ન હોવાથી ટી.પી.-2માં આવેલા ફાયનલ પ્લોટ નં.-51 જે કલેક્ટર હસ્તક હતો. તેનું પઝેશન મેળવવા કલેક્ટર સાથે સંકલન કરી તેમાંથી વર્ષો જુના દબાણો હતા જેને દૂર કર્યા હતા.
25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી સાથે નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન
કલેક્ટર પાસેથી પઝેશન મેળવી નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. જેના માટે કલેક્ટર જોડેથી પ્લોટનું પઝેશન મેળવવા માટે રૂ. 1.26 કરોડ સીટી મામલતદાર ઘાટલોડીયા ખાતે જમા કરાવી દીધા હતા અને પજેશન મેળવ્યું હતું. ઘાટલોડીયા ટી.પી.-2. ફાયનલ પ્લોટ નં.-51માં રૂ. 55.31 કરોડના ખર્ચે અમદાવાદ શહેરમાં અત્યાર સુધી બનાવવામાં આવેલી ટાંકીઓ પૈકી મોટામાં મોટી ક્ષમતાની એટલે કે 250 લાખ લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી તથા 25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી સાથે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવ્યું છે.
સદર નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન કાર્યરત થયેથી સ્ટેગર્ડ સપ્લાય બંધ થશે અને આશરે 4 કિલોમીટર વિસ્તારમાં આશરે 1.25 લાખ જેટલી વસ્તીને પુરતા પ્રેસરથી પાણી પૂરું પાડી શકાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારના ઘાટલોડિયાના સ્થાનિક નાગરિકોને પણ મળ્યા હતા. સ્થાનિક નાગરિકો સાથે તેમણે હાથ મિલાવ્યા હતા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

