રિપોર્ટ@અમદાવાદ: પુત્રવધૂના પરિવારે પારિવારિક વિવાદમાં વેવાઈનું ઢીમ ઢાળી દીધું, જાણો સમગ્ર મામલો

લોખંડની પાઇપો અને લાકડાના ધોકા વડે માથા-શરીરના ભાગે માર માર્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદમાંથી એક હદય કંપાવતી ઘટના સામે આવી છે. પુત્રવધૂના પરિવારે વેવાઈનું ઢીમ ઢાળી દીધુ હતું. અમદાવાદ શહેરના જીવરાજબ્રિજ નીચે હત્યાનો બનાવ બન્યો હતો. ગઇકાલે ચાર અસામાજિક તત્વોએ ભેગા મળીને લાકડી અને લોખંડની પાઇપ વડે હુમલો કરી એક શખસને ઇજાગ્રસ્ત કર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

મૃતક નટુ પરમારની પુત્રવધૂના પરિવારે પારિવારિક વિવાદમાં આ હત્યાને અંજામ આપ્યો છે. ઘટના બાદ આક્રોશિત પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને દારૂ-જુગારની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ રાજીવનગરથી જીવરાજ તરફ જતો રસ્તો પણ બંધ કરી દીધો હતો અને આરોપીઓના ઘરે તોડફોડ પણ કરી હતી.

ગઇકાલે જ મૃતક પર પુત્રવધૂનો ફોન આવ્યો હતો, જેમાં તેમના પર હુમલો થવાનું તેને જણાવ્યું હતું. સાથે જ હત્યાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે 4 અસામાજિક તત્વો 22 સેકન્ડમાં લોખંડની પાઇપ અને ધોકાના 36 ફટકા મારે છે.

સેટેલાઈટમાં રહેતા કૌશિક પરમાર નામના 25 વર્ષીય યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા નટુભાઈ પરમાર પ્લમ્બિંગનું કામ કરે છે. ગઇકાલે રાતે કૌશિક ચાની કિટલી પર બેઠો હતો ત્યારે તેના મિત્રએ જણાવ્યું હતું કે તેના પિતા નટુભાઈ પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. જેથી કૌશિક સ્થળ પર પહોંચ્યો હતો જે બાદ રિક્ષામાં કૌશિકના પિતા નટુભાઈને સારવાર માટે સેટેલાઈટની પારેખ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પારેખ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નટુભાઈનું મોત થયું હતું. નટુભાઈ પર કનુ ઉર્ફે કાંતિ, હસમુખ, કેતન અને અન્ય બે શખ્સોએ ભેગા મળીને જીવરાજબ્રિજની નીચે બાપાસીતારામ મોબાઇલ શોપની પાસે લોખંડની પાઇપો અને લાકડાના ધોકા વડે માથા અને શરીરના ભાગે માર માર્યો હતો.

હત્યા બાદ મૃતક પરિવારના સમર્થનમાં 300થી 400 લોકોનું ટોળું રોડ ઉપર ઉતરી આવ્યું હતું. રાજીવનગરથી જીવરાજ તરફ જવાનો રસ્તો સ્થાનિકોએ બંધ કરી દીધો હતો. જેને પગલે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.