રિપોર્ટ@અમદાવાદ: 'Komo by Kaffa'ની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી, જાણો સમગ્ર ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનું જાણીતું અને મોંઘીદાટ 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહકે જમવામાં પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા બિલ ન આપીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી આપી વાત પૂરી કરી દેવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે AMCને પણ ફરિયાદ કરી છે.
‘Komo by Kaffa’ અમદાવાદનું ખૂબ જ જાણીતું કેફે છે. અમદાવાદમાં આવતા મોટાભાગના સેલિબ્રિટી અહીંયા એક વખત મુલાકાત લેતા જ હોય છે. તાજેતરમાં ટીમ ઇન્ડિયા જ્યારે અમદાવાદ મેચ રમવા આવી ત્યારે ટીમના પ્લેયર પણ આ કેફેમાં ગયા હતા. સામાન્ય દિવસમાં પણ આ કેફેમાં 20થી 30 મિનિટનું લાંબુ વેઈટીંગ હોય છે. ત્યારે આટલા મોંઘા અને જાણીતા કેફેની આ પ્રકારની બેદરકારીને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતો ધ્રુવિલ પટેલ નામનો યુવક પત્ની સાથે જમવા માટે જાણીતા 'Komo by Kaffa' માં ગયો હતો. ધ્રુવિલે કોમોમાંથી પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ, રાઈસ વિથ કરી અને આઈસ કોફી મંગાવી હતી. ધ્રુવિલના ટેબલ પર આઈસ કોફી અને પાસ્તા આવ્યા હતાં. જમવાની શરૂઆત કર્યાના થોડા સમયમાં જ ધ્રુવિલ અચાનક ટેબલ પરથી ઉભો થઈ ગયો હતો.
ધ્રુવિલે મંગાવેલા પાસ્તામાં આવેલી ગાર્લિક બ્રેડમાં મરેલી માખી હતી. ધ્રુવિલે જમવાનું ટેબલ છોડીને હોબાળો કર્યો હતો, જેથી સ્ટાફ ભેગો થયો હતો. ધ્રુવિલે આટલી મોટી બેદરકારી અંગે ફરિયાદ કરી તો કેફેના સ્ટાફે માફી માગી લીધી હતી. કેફેના સ્ટાફે બિલ માફ કરીને ધ્રુવિલને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી ઓફર કરી હતી. ધ્રુવિલે આ અંગે AMCના ફૂડ વિભાગને ફરિયાદ કરી છે.

