રિપોર્ટ@અમદાવાદ: વટવા વિસ્તારમાંથી લાજવાબ મેંગો પેપ્સીનું નકલી કારખાનું ઝડપાયું, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વટવા વિસ્તારમાંથી લાજવાબ મેંગો પેપ્સીનું નકલી કારખાનું ઝડપાયું છે. લાજવાબ નામે મેંગો પેપ્સીનું ઉત્પાદન કરતી કંપનીના કર્મચારીને બાદમે મળી હતી કે, વટવા વિસ્તારમાં ગોડાઉનમાં એક વ્યક્તિ લાજવાબ કંપનીના નામે જ મેંગો પેપ્સીના પાઉચ બનાવીને વેચાણ કરી રહ્યો છે જેના આધારે તેમણે વટવા પોલીસ સાથે રાખી દરોડો પાડ્યો હતો.
વટવા પોલીસને ડુપ્લીકેટ પેપ્સીના કારખાનામાંથી 15,000થી વધુ શરબતના પાઉચ અને મશીનરી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી ગોડાઉનમાં નકલી શરબતના પાઉચ બનાવીને વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. કંપનીના કર્મચારીએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, પાલનપુરમાં રહેતા સીરાજભાઇ અડવાણી 2005થી લાજવાબ નામથી પેપ્સી શરબતના નાના પાઉચમાં કોલ્ડ્રીંગ બનાવવાની કંપની ધરાવે છે. તેમના ધ્યાને આવ્યુ હતુ કે, તેમની કંપનીની કોપીરાઇટ કરીને અમદાવાદના વટવા વિસ્તારમાં એક શખ્સ ડુપ્લીકેટ પેપ્સીનું વેચાણ કરી રહ્યો છે, જેથી તેમને વટવા પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસને સાથે રાખીને તેમને વટવાના નવાપુરા મેદાન પાસે આવેલી ગલીમાં ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.
જ્યારે ગોડાઉનમાં તપાસ કરવામાં આવી તો ડુપ્લીકેટ પેપ્સી શરબત બનાવતું કારખાનું હતુ. પોલીસે કારખાનામાંથી મેંગો પેપ્સીના 15450 પાઉચ, 1.80 લાખના ફિલિંગ મશીનો સહિત કુલ રૂ. 2.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કારખાનું ચલાવનાર મુમતાજ અહેમદ અંસારી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા પોતે છેલ્લા બે વર્ષથી કારખાનું ચલાવતો હતો. લાજવાબ મેંગો પેપ્સીના નામે નાના મોટા પાઉચ બનાવીને લાજવાબના નામે નકલી પેપ્સી શરબત બનાવી બજારમાં વેચાણ કરતો હતો.
એસીપી એન. કે. વ્યાસે જણાવ્યું હતું કે, લાજવાબ કંપનીના સિરાજભાઈને પોતાની કંપનીની ક્વોલિટી બરાબર નથી આવતી એવી ફરિયાદ મળતી હતી, જેના આધારે તપાસ કરતા વટવા વિસ્તારમાં તેમની કંપનીના નામે ઉત્પાદન થતું હોવાનું ધ્યાને આવતા વટવા પોલીસની મદદ લઈ મુમતાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે કોપી રાઇટનો ગુનો નોધીને ધરપકડ કરી છે. કારખાનામાંથી મળી આવેલો પેપ્સી શરબત પીવા લાયક છે કે નહીં? તેના માટે ફૂડ સેફટી વિભાગને અને એફએસએલને પણ જાણ કરવામાં આવી છે. જો તેમાં કોઈ બેદરકારી છતી થશે તો તે મુજબની કડક કાર્યવાહી આગામી સમયમાં કરવામાં આવશે.

