રિપોર્ટ@અમદાવાદઃ રહેણાક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા પિતા-પુત્ર ભડથું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાંથી આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે.અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં બકેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગર રો-હાઉસના એક મકાનમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળતાં ઘરમાં હાજર 5 લોકોમાંથી પિતા-પુત્રનાં મોત નીપજ્યાં છે. 3 લોકો બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો છે. ગોહિલ પરિવારના સભ્યો રાત્રિના ભરનિદ્રામાં હતા ત્યારે જ સાડાત્રણ વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ત્રણ લોકો બહાર નીકળી ગયા હતા, પરંતુ પિતા અને 9 વર્ષીય પુત્ર ઘરમાં જ ભડથું થઈ ગયા હતા. શોટસર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ પોલીસ દ્વારા પણ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતક ધ્રુવભાઈ ગોહિલનાં પત્ની મિતલબેને જણાવ્યું હતું કે તેમના પતિ અને મારો નવ વર્ષીય દીકરો શાશ્વત અને હું એક રૂમમા સૂતાં હતાં અને મારા સાસુ તથા મારી દીકરી ધૂમી અમારી બાજુના રૂમમા સૂતા હતા. ત્યાર બાદ રાત્રિના આશરે સાડાત્રણ વાગ્યાની આસપાસ અચાનક ગૂંગણામણ થવા લાગી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગેલી હતી, જેથી હું જાગી ગઈ હતી. પતિને જગાડવાનો પ્રયત્ન કરેલો, પણ ભાનમા ન આવેલા અને રાત્રિના અંધારાના કારણે કંઈ દેખાતું ન હતું.
મિતલબેને વધુમાં જણાવ્યું હતું કે વધારેપડતા ધુમાડાના લીધે ગૂંગળામણ થવાને કારણે તેમના પતિને અમારા રૂમમાંથી ઘસડીને સાસુના રૂમમા લઇ ગયેલા, પણ વધારે ધુમાડાના કારણે તેમનો દીકરો શાશ્વત દેખાયે નહિ અને વધારે ગૂંગણામણ થવાથી તેઓ બહાર ગેલરીમાં જતાં રહ્યાં હતાં. તેમનાં સાસુ તથા દીકરી હાજર હતાં. ત્યાર બાદ અમે ત્રણેય જણા અમારી બાલ્કનીમાંથી અમારા પાડોશીના મકાનમાંથી બહાર સોસાયટીમાં નીચે ઊતરી ગયાં હતાં. તેમના ઘરમાં નીચેના હોલમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જણાયું હતું, જેથી ત્યાં હાજર કોઇએ ફાયરબ્રિગેડ તેમજ 108માં ફોન કર્યો હતો. શરીરે આગ લાગવાથી સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા, જ્યાં મારી સારવાર ચાલુ છે અને મારા પતિ તથા મારા દીકરા શાશ્વતને પણ સારવાર સાસુ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલાં હતાં.
ફાયરબ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ, વેજલપુર વિસ્તારમાં મકરબા રોડ ઉપર કૃષ્ણનગરી રો - હાઉસના મકાનમાં મોડીરાત્રે 3:30 વાગ્યાની આજુબાજુ આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવતાં બેથી વધુ ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ઉપર અને નીચે એમ બંને જગ્યાએ આગ લાગેલી હતી. મકાનમાં આખો પરિવાર સૂતેલો હતો, જોકે આગ લાગી ત્યારે એક વૃદ્ધા તેમજ ઘરની મહિલા બહાર નીકળી ગયાં હતાં. ઘરમાં ધ્રુવ ગોહિલ અને તેનો 9 વર્ષીય પુત્ર શાશ્વત ફસાયેલા હતા, જેમને બેભાન હાલતમાં બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. વેજલપુર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

