રિપોર્ટ@અમદાવાદ: 13થી 16 નવેમ્બર 2025 સુધી ફૂડ ફેસ્ટિવલનો ફાઇવસ્ટાર જલસો

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલના મેનુ અને પ્રોગ્રામની માહિતી માટે QR કોર્ડ જાહેર કર્યો છે જે સ્કેન કરવાથી ફૂડનું મેનું અને ભાવ મળી રહશે.
 
 રિપોર્ટ@અમદાવાદ: 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી ફૂડ ફેસ્ટિવલનો ફાઇવસ્ટાર જલસો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ 'ફૂડ ફોર થોટ ફેસ્ટ' યોજાશે. જ્યારે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025'નું યોજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી દ્વારા ફૂડ ફેસ્ટિવલ તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સહયોગથી હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ્યથી બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 13 નવેમ્બરના રોજ અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ અને બુક ફેરનું ઉદ્ધાટન કરવા માટે આવવાના હતા. પરંતુ તેનો ગુજરાત પ્રવાસ રદ થયેલ છે. મહેસાણાના બોરીયાવી ખાતેના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવત ​​​જોડાઈ શકે છે.

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફૂડ ફેસ્ટિવલમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી નથી. ફૂડ ફેસ્ટિવલમાં જે ફૂડ પેવેલિયન અને સ્ટોલ રાખવામાં આવ્યા છે તેમાં મળતી ખાવા-પીવાની વસ્તુઓનો ચાર્જ ચૂકવીને ભોજનનો આનંદ લોકો માણી શકશે. ઓનલાઈન વેબસાઈટ બુક માય શો ઉપર ટિકિટ બુકિંગ કરાવી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલના મેનુ અને પ્રોગ્રામની માહિતી માટે QR કોર્ડ જાહેર કર્યો છે જે સ્કેન કરવાથી ફૂડનું મેનું અને ભાવ મળી રહશે.

મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 'A Taste of Luxury' અને 'The Regional Flavours' એમ બે પ્રકારની થીમ પર ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અનોખા પેવેલિયન્સ પણ તૈયાર કરાશે. લક્ઝરી પેવેલિયનમાં Taj Soulinaireના ખાસ મેનૂ સહિત ફેમસ હોટેલ દ્વારા તેમની સ્પેશિયલ વાનગીઓ પીરસવામાં આવશે. લક્ઝરી પેવેલિયનમાં લંચ અને ડિનર રૂપિયા 2,500 અને હાઈ ટી રૂપિયા 1,000 રહેશે.

ફૂડ ફેસ્ટિવલમાં સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં પુરીના જગન્નાથ મંદિરમાં આપવામાં આવતો 'ભોગ પ્રસાદ' મળશે. જે મૂળ મંદિરના બ્રાહ્મણ રસોઇયાઓ દ્વારા જ બનાવવામાં આવશે. અમદાવાદીઓને પુરી મંદિર જેવી જ પવિત્રતા, પરંપરા અને સ્વાદ મળશે. આ ફેસ્ટિવલમાં ભગવાન શ્રી કૃષ્ણનાં જીવનપ્રસંગો પર આધારિત 'લીલા' નામનું વિશેષ નૃત્ય પ્રદર્શન પણ રજૂ થશે. જેમાં પુરીના દૈતાપતિ કુટુંબના વરિષ્ઠ પુત્રની ઉપસ્થિતિમાં આ પૌરાણ કરે પરંપરાગત કાર્યક્રમ યોજાશે. સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં 2,100 રૂપિયાનું ડિનર રહેશે, જ્યારે 13 નવેમ્બરના રોજ લંચ 1,600 રૂપિયાનું રહેશે.

ફેસ્ટિવલમાં આ વર્ષે પ્રથમ વખત રજૂ થતો 'કોફી પેવિલિયન" વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં કોફીના છોડથી લઈને કાચા બીન્સ, તેમની કાપણી, રોસ્ટિંગ અને બૂઇંગ સુધીની સમગ્ર પ્રોસેસ લાઈવ રજૂ કરાશે. અરાબિકા અને રોબસ્ટા વચ્ચેના તફાવતો, તેમની સુગંધ અને સ્વાદ કેવી રીતે બદલાય છે તેની સમજ આપશે. મુલાકાતીઓને ફ્રેશ તૈયાર કોફીનો સ્વાદ માણવાની તક સાથે રોસ્ટિંગ અને બૂઇંગ ટેક્નિક્સ અંગે જાણકારી મળશે.

ફૂડ ફેસ્ટિવલમાં ભારત ઉપરાંત નેપાળ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોના શેફ પણ ભાગ લેશે. ખાસ કરીને સ્પેનના વલ્લાડોલિડમાંથી મિશેલિન સ્ટાર રેસ્ટોરાંના સેલિબ્રિટી શેફ અલ્વાર હિનોજલ કેસ્પો પ્રથમ વખત અમદાવાદમાં પોતાની પ્રસિદ્ધ શાકાહારી વાનગીનો ડેમો આપશે. ફેસ્ટિવલ દરમિયાન દરરોજ સાંજે 5:30 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી લાઈવ ડેમો, કુકિંગ સેશન્સ, ચર્ચાઓ, ફૂડ ટેસ્ટિંગ અને કલ્ચરલ પ્રોગ્રામ્સ યોજાશે. તેમાં પ્રસિદ્ધ શેફ રણવીર બ્રાર, સુવીર સરણ, વિક્કી રત્નાની, માસ્ટર શેફ અભિજિત સાહા, લેખિકા રશ્મી ઉદયસિંહ, પદ્મશ્રી ડો. પુષ્લેશ પંત તથા અનેક રાજવી અને સંસ્કૃતિ નિષ્ણાંતો હાજરી આપશે.

આ વર્ષે બે પ્રતિષ્ઠિત એવોર્ડ ફંક્શન યોજાશે. જેમાં 'હોસ્પિટાલિટી હોપ એવોર્ડ' જે સ્થાનિક રેસ્ટોરાંને તેમની ગુણવત્તા અને પરંપરાના સંવર્ધન માટે આપવામાં આવશે. તે 14 નવેમ્બરે શેફ રણવીર બ્રાર દ્વારા આપવામાં આવશે. જ્યારે 'SAAG-AMC Award' 16 નવેમ્બરે લેજેન્ડરી શેફ મંજિત ગિલ દ્વારા આપવામાં આવશે. જે લક્ઝરી ફૂડ કોર્ટમાં ભાગ લેનારી હોટેલ્સને ઇનોવેશન અને ગુણવત્તા માટે પ્રોત્સાહિત કરશે.

'ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025' ખાસ કરીને ફૂડ લવર્સ, ફૂડ બ્લોગર્સ, ઉદ્યોગ નિષ્ણાંતો, ક્યુલિનરી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો બધા માટે સમાન રીતે ઉપયોગી અને આનંદદાયક બની રહેશે. અહીં ફૂડ એજ્યુકેશન, હેલ્ધી ઇટિંગ, સસ્ટેનેબલ ક્યુલિનરી પ્રેક્ટિસિસ અને ભારતીય ગેસ્ટ્રોનોમીની વિશ્વકક્ષાએ ઓળખ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત ફૂડ ફોટોગ્રાફી સેશન્સ, કુકિંગ કોમ્પિટિશન્સ અને ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ ફેસ્ટિવલને વધુ લાઈવ બનાવશે.