રિપોર્ટ@અમદાવાદ: પેસેન્જરના શરીરમાંથી 21 લાખથી વધુની કિંમતની સોનાની કેપ્સ્યુલ નીકળ્યું, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અબુ ધાબીથી અમદાવાદ આવેલી એર અરેબિયા ફ્લાઇટમાં આવેલા શાહરૂખ નામના પેસેન્જરના શરીરમાંથી 21 લાખથી વધુની કિંમતની સોનાની કેપ્સ્યુલ કસ્ટમ વિભાગના એર ઇન્ટલિજન્ટ યુનિટ દ્વારા કબજે કરવામાં આવી છે.
આ અગાઉ યુગાન્ડાની મહિલાના શરીરમાં છુપાવેલી હેરોઇન ભરેલી 79 કેપ્સ્યુલ કબજે કરવામાં આવી હતી. આ કેસમાં તાજેતરમાં જ કોર્ટ દ્વારા મહિલા આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યાં વળી આવો જ કેસ કસ્ટમ વિભાગના અધિકારીઓએ પકડી પાડ્યો છે.
19 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ કસ્ટમ્સના AIU અધિકારીઓએ પ્રોફાઇલિંગના આધારે ભારતીય પાસપોર્ટ ધરાવતા અને એર અરેબિયા ફ્લાઇટ નં. 3L 111 દ્વારા અબુ ધાબીથી અમદાવાદ આવી રહેલા શાહરૂખ નામના એક પેસેન્જરને અટકાવ્યો હતો. તેની પૂછપરછમાં પેસેન્જરે કબૂલ્યું છે કે તેણે ગળીને તેના શરીરમાં સોનાને કેપસ્યુલ છુપાવી હતી.
ત્યારબાદ તેને 19મી ફેબ્રુઆરીના રોજ જ અમદાવાદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ શરીરમાં છુપાયેલા પદાર્થો શોધી શકાય તે માટે મુસાફરને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં, મળ પસાર કરાવતી વખતે ડૉક્ટરને મુસાફરના શરીરમાંથી પીળા રંગની 3 નળાકાર કેપ્સ્યુલ અને 1 ગોળાકાર આકારના સ્ટીલ કલરનો બોલ છુપાવેલો જોવા મળ્યો. સિવિલ હોસ્પિટલ, અમદાવાદે 21 ફેબ્રુઆરીના રોજ મેડિકલ રિપોર્ટ દ્વારા આ છુપાવેલા માલની માહિતી આપી અને મુસાફરને ડિસ્ચાર્જ કર્યો હતો.
ત્યાર બાદ પેસેન્જરના શરીરમાંથી મલેલા માલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને પ્રમાણપત્ર રજૂ કર્યું. જેમાં પ્રમાણિત કરવામાં આવ્યું કે 3 ત્રણ નળાકાર આકારના કેપ્સ્યુલની ધાતુ 135.200 ગ્રામ વજનની સોનાની છે, જેની શુદ્ધતા 999.0 /24 કેરટની છે, તેની બજાર કિંમત રૂ. 21 લાખ 89 હજાર 564 થાય છે અને ટેરિફ મૂલ્ય રૂ. 20 લાખ 17 હજાર 801 છે.
જ્યારે ચોથી ગોળાકાર કેપ્સ્યુલ ફેરસ ધાતુનું બનેલી હોવાનું જાણવા મળ્યું હતું. તેથી, કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તેને જપ્ત કરવામાં આવ્યું હતું કારણ કે તેને કસ્ટમ્સને જાહેર કર્યા વિના શરીરમાં છુપાવીને ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની વધુ તપાસ ચાલુ છે.

