રિપોર્ટ@અમદાવાદ: સોમનાથમાં ડિમોલિશન અંગે HCમાં થયેલી અરજી પર સુનાવણી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક બાબતે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવતી હોય છે. સોમનાથમાં ડિમોલિશન બાબતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સિનિયર એડવોકેટ મિહિર જોશીએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, ડિમોલિશન ચાલુ છે. ગઈકાલે ચીફ જજ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માગ કરાઈ હતી. જો કે, ચીફે આજે રજૂઆત કરવા જણાવ્યું હતું. અરજી ફાઈલ થઈ ચૂકી છે. કોઈપણ નોટિસ વગર ડિમોલિશન હાથ ધરાયું છે. તાહિર હકીમ અરજદારોના એડવોકેટ છે.
સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનની કાર્યવાહીમાં 58 જેસીબી, 5 હિટાચી, 50 ટ્રેક્ટર, 4 હાઈડ્રા, 18 ડમ્પર, 2 એમ્બ્યુસન્સ અને ત્રણ ફાયર ફાઈટર સહિતનાં સાધનો મારફત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ ત્યારે 135થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ કામગીરી વેળાએ વહીવટી રેવન્યુ, વીજ, પીડબ્લ્યુડી સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સ્ટાફને પણ સ્થળ ઉપર તહેનાત કરવામાં આવ્યા હતા.
આ ડિમોલિશનની કામગીરીને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે દબાણોવાળાં સ્થળને ચારેય તરફથી પોલીસ છાવણીમાં ફેરવી કોર્ડન કરી દેવામાં આવ્યાં હતાં, જેમાં ભીડિયા સર્કલ તથા સોમનાથના ગુડલક સર્કલના બન્ને તરફના એન્ટ્રી પોઈન્ટો તથા રસ્તા પર ઠેર-ઠેર બેરિકેડ્સ મૂકીને પોલીસ સ્ટાફ તહેનાત કરીને લોકોની અને વાહનોની અવરજવર બંધ કરાવી હતી. વેરાવળ-સોમનાથ શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટો ઉપર SRP અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો.
રેવન્યુ વિભાગના નાયબ મામલતદાર શક્તિસિંહ વાલભાઇ પરમારએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, સોમનાથ વેરાવળ રોડ પ્રભાસ પાટણ ખાતેની સરકારી સરવે નંબર-1851 તથા 1852વાળી જગ્યામાં આવેલી હાજી માંગરોલીસા મસ્જીદ ખાતે આરોપીઓ ટોળામાં એકસંપ થઇ ગેરકાયદેસર મંડળી રચી તેઓનો સમાન ઇરાદો પાર પાડવા માટે હાજી માંગરોલીસા મસ્જીદ ઉપર સરકારના હુકમ મુજબની ડિમોલિશનની કામગીરીમાં ઉપયોગમાં લેવાતાં સાધનો આડે ટોળા સ્વરૂપે ઉભા રહી સરકારી ડિમોલેશનની કામગીરીમાં તથા ફરજમાં રૂકાવટ કરી તથા જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેને લઈ સરકારના પ્રતિનિધિની ફરિયાદ અન્યવે પ્રભાસ પાટણ પોલીસે 88 લોકો વિરુદ્ધ બી.એન.એસની કલમ મુજબ ગુનો નોંધી જેલ હવાલે કર્યા છે.