રિપોર્ટ@અમદાવાદ: આઠમના પવિત્ર દિવસે ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી

ભક્તિમય માહોલનો સુંદર નજારો જોવા મળે છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આસો નવરાત્રિના મહા આઠમના પવિત્ર દિવસે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભારે જનમેદની ઉમટી પડી હતી. દર્શનાર્થીઓની 1 કિલોમીટરથી પણ વધુ લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યાં શ્રદ્ધાળુઓ કલાકો સુધી કતારમાં ઉભા રહી મા ભદ્રકાળીની આરતી અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ નિમિત્તે મંદિર પરિસરનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભક્તિમય માહોલનો સુંદર નજારો જોવા મળે છે.

બીજી તરફ, શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં આવતીકાલે આઠમની ઉજવણી કરાશે. આજે સાતમુ નોરતું અને રવિવારની રજા હોવાથી સવારના 5 વાગ્યાથી ગુજરાતભરમાંથી માઈભક્તો ઉમટી પડ્યા હતાં. મંગળા આરતી સાથે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

અમદાવાદ શહેરના ભદ્રના કિલ્લા પરિસરમાં આવેલું શ્રી ભદ્રકાળી મંદિર શહેરનું અત્યંત પ્રાચીન અને પૌરાણિક ધાર્મિક સ્થાન છે. ઈ.સ. 1411માં અહમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી તે પૂર્વેથી જ નગરદેવી તરીકે મા ભદ્રકાળી અહીં બિરાજમાન હોવાની માન્યતા છે. અમદાવાદની સ્થાપના અને સમૃદ્ધિ પાછળ નગરદેવીની કૃપા હોવાનું લોકમુખે કહેવાય છે. સમય જતાં ઐતિહાસિક બદલાવો વચ્ચે પણ આ મંદિર અમદાવાદ શહેરનું મુખ્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. નગરજનો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત નગરદેવી ભદ્રકાળી માતાજીના આશીર્વાદ લઈને જ કરે છે.

નવરાત્રિ પર્વમાં મહા આઠમ (દુર્ગાષ્ટમી)ના દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહાત્મ્ય રહેલું છે. આ દિવસે માતાજીના શક્તિ સ્વરૂપની ખાસ આરાધના, હવન અને મહાઆરતી યોજવામાં આવે છે. માન્યતા મુજબ, આઠમના પવિત્ર દિવસે નગરદેવી ભદ્રકાળીના દિવ્ય સ્વરૂપના દર્શન અને આરતીનો લાભ લેવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે છે અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ જ કારણોસર આઠમના દિવસે ભદ્રકાળી મંદિરે માઈભક્તોનો ઘોડાપૂર જોવા મળે છે.