રિપોર્ટ@અમદાવાદ: સ્કાયસિટી રિવેરા ઇલાઇટ બિલ્ડિંગમાં અચાનક ભયાનક આગ ભભૂકી
ફાયરની 12 જેટલી ગાડીઓએ મહામુસીબતે કાબૂ મેળવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરમાંથી આગ લાગવાની ઘટના સામે આવી છે. શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપર આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ નામના બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદ ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી હાલમાં આગને કાબૂમાં લઈ લીધી છે. ભીષણ આગને પગલે 15 માળ સુધી આગનો ધુમાડો ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ ફ્લેટના સી બ્લોકના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે નીચે ઉતરી ગયા હતા.
મળતી માહિતી મુજબ, અમદાવાદના છેલ્લા વિસ્તારમાં આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ નામની બિલ્ડિંગમાં આજે 26 માર્ચે સવારે 8:00 વાગ્યાની આસપાસ સી બ્લોકના ત્રીજા માળના મકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો. ફાયર બ્રિગેડની સૌપ્રથમ બેથી ત્રણ ગાડીઓ સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે સી બ્લોકના ત્રીજા માળે મકાનમાં આગ લાગેલી હતી અને આગ વિકરાળ બનીને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. 15 માળ સુધી ધુમાડો પહોંચ્યો હતો, જેના પગલે ફાયર બ્રિગેડ દ્વારા વધુ ગાડીઓ બોલાવવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની કુલ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી છે. આગ ત્રીજા માળના મકાનમાં આગ લાગી હતી, જે વિકરાળ બની ગઈ હતી અને ધીમે ધીમે ચોથા માળના મકાનમાં પણ લાગી ગઈ હતી. આખા મકાનમાં આગ લાગી હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ધીમે-ધીમે આગ ચોથા માળના ઉપરના ભાગે પણ લાગી ગઈ હતી, જેથી ચોથા માળના મકાનના રહેવાસી ઘરની બહાર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા હાલ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એ. કે. ડોંગરેના જણાવ્યા મુજબ, ફાયરબ્રિગેડ દ્વારા આગના સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે. કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડના 8 વાહનો અને અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લઈ લીધી છે.

