રિપોર્ટ@અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે મેગા ડિમોલિશન, 50થી વધુ કોમર્શિયલ મિલકત તોડી પાડવાનું શરૂ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોદી સ્ટેડિયમ પાસે મેગા ડિમોલિશન ચલાવામાં આવી રહ્યું છે. 50થી વધુ કોમર્શિયલ મિલકતો તોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારને ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે જેના ભાગરૂપે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી સ્ટેડિયમ તરફના રોડલાઈનના અમલની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે કરવામાં આવી છે. જનપથ ત્રણ રસ્તાથી ડી માર્ટ સુધી કોમર્શિયલ મિલકતોના ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે 50થી વધુ કોમર્શિયલ મિલકતોને તોડી રોડને પહોળો કરવામાં આવશે. કોમર્શિયલ મિલકતોને નોટિસ આપવામાં આવી હતી જે બાદ આજે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે.
કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી આથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડને પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હયાત 18 મીટર રોડ છે જેને 61 મીટરનો રોડ કરવાનો છે. રોડ લાઈન અમલમાં અનેક કોમર્શિયલ અને રેસીડેન્સિયલ બિલ્ડિંગો આવેલી છે. રોડ પહોળો કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી ત્યારે આજે સવારથી પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જેસીબી મશીનો સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્ટ ની સામેથી લઈને જનપથ ત્રણ રસ્તા સુધીના રોડ પર આવતી કોમર્શિયલ અંદાજે 50થી વધારે મિલકતોને તોડી પાડવામાં આવશે. હાલમાં રહેણાંક એક પણ મિલકતોને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ડી માર્ટ બાદ જે કોમર્શિયલ અને રેસીડેન્સીયલ બિલ્ડિંગ આવેલી છે તેમાં હાઇકોર્ટનો કેસ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં ત્યાં કોઈ ડિમોલેશન નહીં કરવામાં આવે પરંતુ અંદાજે 500 મીટરના રોડ ઉપર આવતી મિલકતોને હાલમાં તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે સામેના ભાગે ongcની ઓફીસ આવેલી છે જેથી તેને શિફ્ટ કરવાની હોવાથી હાલમાં ત્યાં પણ ડિમોલેશન કરવામાં આવશે નહીં.

